Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

મોરબીના ત્રણ શખ્શો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો : શોભેશ્વર રોડ પર પ્લોટમાં ગેરકાયદે કબ્જો કર્યાની ફરિયાદ

માલિકીના પ્લોટમાં કબજો કરી સિમેન્ટ પતરાવાળી ઓરડી બનાવી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ

મોરબી : મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ માલિકીના પ્લોટમાં ત્રણ શખ્શોએ ડીસેમ્બર ૨૦૧૯ થી લઈને આજ દિન સુધી ગેરકાયદેસર કબજો કરીને જમીન પચાવી પાડી હોય જે મામલે ફરિયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસે ત્રણ શખ્શો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના શિવનગર (પંચાસર) ના રહેવાસી હીરાલાલ ગણેશભાઈ નેસડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર કો.ઓ. હા. સોસાયટીના ભાણજીભાઈ ભીખાભાઈ અઘારા સસ્ભ્ય હોય જેથી સોસાયટી તરફથી તેઓને પ્લોટ નં ૦૧ પર બ્લોક નંબર ૨૧ ફાળવણી કરવામાં આવી હતી જે વર્ષ ૧૯૮૩ માં પ્લોટના મૂળ માલિક ભાણજીભાઈ ભીખાભાઈ અઘારા પાસેથી રૂ ૧૨,૦૦૦ માં વેચાણ તરીકે રાખેલ અને તેનો રજી. દસ્તાવેજ કરવાનો બાકી છે જે અંગેનું લખાણ તા. ૨૩-૦૪-૧૯૮૪ ના રોજ કરેલ છે જે પ્લોટ પર જુનું અને જર્જરિત બાંધકામ હોય જે ભૂકંપમાં પડી ગયેલ છે બાદમાં દોઢેક વર્ષ પૂર્વે ફરિયાદી હીરાલાલ નેસડીયા પોતાના માલિકીના પ્લોટ પર જતા લક્ષ્મીનગરમાં રહેતા સુનીલ અમરશી વરાણીયા, નવઘણ અમરશી વરાણીયા ત્યાં હાજર હોય જેને પ્લોટમાં ઈંટના ઢગલા રાખેલ હોય જેથી પુચ્તા આ પ્લોટ અમારો છે હવે પછી અહિયાં આવતા નહિ કહીને અવારનવાર તેને ભગાડી મુક્ત હતા

તેમજ બાદમાં દોઢ બે મહિના પૂર્વે તે પ્લોટમાં ગયેલ ત્યારે આરોપી ભવાન મંગાભાઈ વેસરા મારા પ્લોટમાં પોતાના વપરાશ માટે સિમેન્ટ પતરાવાળી ઓરડી બનાવેલ હતી તેને પણ પ્લોટ મારી માલિકીનો હોવાનું જણાવી ફરિયાદીને ભગાડી મુક્યા હતા જેથી આરોપી સુનીલ અમરશી વરાણીયા, નવઘણ અમરશી વરાણીયા અને ભવાન મંગાભાઈ વેસરા એમ ત્રણ શખ્શોએ માલિકીના પ્લોટમાં ગેરકાયદેસર કબજો કરીને સિમેન્ટ પતરાવાળી ઓરડી બનાવી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાવી છે બી ડીવીઝન પોલીસે ત્રણ શખ્શો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(10:38 am IST)