Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખાલી જગ્યા ભરવા સહિત આરોગ્ય વિભાગને લગતી વિવિધ મુશ્કેલીઓ નિવારવા આરોગ્ય કમિશનરને રૂબરૂ રજૂઆત કરતા ધારાસભ્ય મેરજા.

વેક્સિનનો વધુ જથ્થો ફાળવવા અને માં કાર્ડની મુશ્કેલી નિવારવા ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા આરોગ્ય કમિશનરને રૂબરૂ રજૂઆત.

મોરબીની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન સહિતની ખાલી જગ્યાઓ ભરવા, વેક્સિનનો વધુ જથ્થો ફાળવવા, માં કાર્ડની મુશ્કેલી દૂર કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આરોગ્ય કમિશનર સમક્ષ રૂબરૂ માંગણી કરી ધ્રુજારો બતાવ્યો છે.
ગુજરાત સરકારમાં આરોગ્ય વિભાગમાં સચિવ અને આરોગ્ય તબીબી અને તબીબી શિક્ષણના કમિશ્નર જયપ્રકાશ શિવ હરેને મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રૂબરૂ મળીને મોરબી ખાતેની સરકારી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર ઘણા લાંબા સમયથી કાર્યરત છે પરંતુ ઓર્થોપેડિક સર્જનની જગ્યા ખાલી હોવાને કારણે હાડકાના દર્દીઓની આ ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી સારવાર મેળવવામાં મુશ્કેલી પડે છે. તે જોતાં ઓર્થોપેડિક સર્જનની જગ્યા તાત્કાલિક ભરવી જરૂરી છે. તદુપરાંત મેડિકલ ઓફિસર વર્ગ–૨ તેમજ જુદા–જુદા વિભાગના સ્પેશ્યાલિસ્ટ મેડિકલ ઓફિસર વર્ગ–૧ ની ખાલી જગ્યાઓ પણ દર્દીઓના વ્યાપક હિતમાં ભરવી જરૂરી છે.
મોરબી ખાતે છેલ્લા કેટલાક સમયથી માં કાર્ડની કામગીરી ઠપ્પ થઈ ગયેલ છે. જેથી લાભાર્થીઓને મુશ્કેલી પડે છે તે નિવારવા માં કાર્ડ અને આયુષ્યમાન ભારતના સંયોગીકરણ કરવાની પ્રક્રિયા અન્વયે સર્વર તાત્કાલિક કાર્યાવિન્ત થાય તેમ કરવું પણ જરૂરી છે. તેમજ મોરબી ખાતે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, હોદેદારો, ભાજપ સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યશ્રીઓએ વેક્સિન માટે લોક જાગૃતિ કેળવવા ભારે મોટું અભિયાન આદર્યું છે અને લોકો પણ હોંશે હોંશે વેક્સિન કેન્દ્રો પર રસી લેવા તલપાપળ બનતા હોય છે. પરંતુ કમનશીબે વેક્સિનને પૂરતો જથ્થો મોરબીને ન મળવાને કારણે લોકોને પરેશાન થવું પડે છે તે સ્થિતિ નિવારવા પૂરતો વેક્સિનનો જથ્થો મોરબીને મળે તેવી પણ માંગણી કરી છે.
તદુપરાંત મોરબી ખાતે આગામી શૈક્ષણિક સત્રથી ૧૦૦ વિધાર્થીઓના પ્રવેશની પ્રથમ બેન્ચની મેડિકલ કોલેજ ગિબ્શન મિડલ સ્કૂલમાં કાર્યાવિન્ત થાય તે માટે સતત મોનિટરિંગ થતું રહે તે જોવા પણ આગ્રહ સેવ્યો હતો. મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ, પેરા મેડિકલની ખાલી જગ્યાઓ પણ ભરાય તેમ કરવું પણ ખૂબ જરૂરી છે. મોરબીમાં કોરોના બીજા વેવમાં વધુ સંક્રમિત થયો હતો તેમજ ઓક્સિજનની અને બેડની અછત પણ ઊભી થયેલી. તે જોતાં ઈચ્છીએ નહીં છતાં પણ કોરોનાનો ત્રીજો વેવ આવે તો તેને પંહોચી વળવા ૨,૦૦૦ જેટલી બેડ, ઓક્સિજન અને અન્ય સાધન સામગ્રીનું આગોતરું આયોજન પણ કરી રાખવા ધારાસભ્યએ ખાસ નિર્દેશ કર્યો હતો.

(9:40 pm IST)