Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

કચ્છ રાજ્યના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાનું ભુજમાં નિધન, શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રીએ આપી અશ્રુપૂર્ણ શ્રદ્ધાંજલિ...

કચ્છ રાજ્યના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાનું 85 વર્ષની વયે ભુજના રણજીત વિલાસ પેલેસમાં નિધન થયું હતું. મહારાવ લાંબા સમયથી પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હતા. તેમના નિધનના સમાચારથી કચ્છ નહીં; પરંતુ વિદેશોના રાજવી પરિવારે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમના નિધનના સમાચાર જાણીને કચ્છભરના અનેક આગેવાનો અને સમાજો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.

1991માં મહારાવ તરીકે દરજ્જો મળ્યો હતો. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું હતું. ત્યારે દેશ અલગ અલગ રજવાડાઓમાં વહેંચાયેલો હતો. જેને એક કરવા સરદાર વલ્લભભાઈ પટેલે બીડું ઝડપ્યું હતું. દેશ સ્વતંત્ર થયો ત્યારે કચ્છના તત્કાલિન રાજવી વિજયરાજજી લંડનમાં સારવાર મેળવતાં હતા. તેમના હુકમથી તેમના પુત્ર મદનસિંહજીએ 16 ઓગસ્ટ 1947ના રોજ કચ્છ રાજ્યના ભારતમાં વિલિનીકરણ પર સહી કરી હતી. તે સમયે કચ્છનો ‘ક’ વર્ગના રાજ્ય તરીકે ઉદય થયેલો. જેનું સંચાલન કેન્દ્રીય સરકારથી કરવામાં આવતું હતું. પાછળથી કચ્છને ગુજરાત રાજ્યના જિલ્લા તરીકે ભેળવી દેવાયેલું. 26 જાન્યુઆરી 1948ના રોજ વિજયરાજજીના નિધન બાદ મદનસિંહજી મહારાવ બન્યા હતા. 17 ઓક્ટોબર 1991માં મદનસિંહજીનું નિધન થયું હતું. ત્યારબાદ ભુજના પ્રાગમહેલ પેલેસમાં ટીલામેડી વિધિ દ્વારા તેમના જ્યેષ્ઠ પુત્ર પ્રાગમલજી ત્રીજાને મહારાવ (હિઝ હાઈનેસ મહારાજધિરાજ મિર્ઝા મહારાવ પ્રાગમલજી ત્રીજા, સવાઈ બહાદુર, કચ્છ મહારાવ) તરીકે ઘોષિત કરાયા હતા.

જીવનના પૂર્વાર્ધનો મોટાભાગનો સમય તેમણે મુંબઈ અને લંડનમાં વિતાવ્યો હતો. જોકે, પાછળથી તેઓ મોટાભાગે કચ્છમાં જ રહેતા હતા. આઝાદી બાદ કચ્છને અનેક બાબતોએ અન્યાય થતો હોવાનું માનતા મહારાવ પ્રાગમલજી ત્રીજાએ અલગ કચ્છ રાજ્યની માંગને સમર્થન જાહેર કર્યું હતું.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સાથે મહારાવ પ્રાગમલજી ત્રીજાને આત્મિયતાનો નાતો રહ્યો હતો. દરબાર ગઢ ચોક - શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજમાં ઉજવાયેલા અનેક મહોત્સવ દરમિયાન તેઓશ્રી અચૂક પધારતા હતા. અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવતા હતા. તેઓશ્રીના નિધનથી આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના અનુગામી પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે અશ્રુપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અને જણાવ્યું હતું કે, મહારાવ સાહેબ કચ્છ જિલ્લો શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે હંમેશા પ્રગતિ કરે તેમજ દરેક ક્ષેત્રે કચ્છીઓનું નામ આગળ વધે, કચ્છી ભાષાનું ગૌરવ અકબંધ રહે તેના હિમાયતી હતા. તેઓ કચ્છના હિત માટે સૌના માર્ગદર્શક હતા. કચ્છના લોકપ્રિય મહારાવ પ્રાગમલજી ત્રીજા સાહેબના દુઃખદ અવસાનથી ન પુરાય તેવી મોટી ખોટ કચ્છને પડી છે. સતત કચ્છના શુભ ચિંતક અને વખતો વખત કચ્છના વિકાસકાર્યો માટે માર્ગદર્શન આપનાર અને ચિંતા સેવનારા એવા મહારાવ પ્રાગમલજી ત્રીજાને પરમ કૃપાળુ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે એ જ અભ્યર્થના........

(4:52 pm IST)