Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જામનગરના રામપર પાસે દોરાના વિશાળ કારખાનામાં પીળા બદામી રંગના ઉભા પટ્ટા ધરાવતો ચળકતો દુર્લભ સાપ જોવા મળતા કારખાનામાં ભયનો માહોલ

જામનગરઃ જામનગરમાં એક કારખાનામાં અચાનક આવી ચઢેલાં એક સાપે તો ભારે કરી. જામનગરના રામપર ગામ પાસે આવેલ SSPL નામના દોરાના વિશાળ કારખાનામાં પીળા બદામી રંગના ઊભા પટ્ટા ધરાવતો ચળકતો સાપ જોવા મળતાં કારખાનામાં ભયનો માહોલ સર્જાયો હતો.

મીલના ગોડાઉન મેનેજર પાસે લાખોટા નેચર કલબ સંસ્થા દ્વારા જારી કરેલ હેલ્પલાઇન લીસ્ટ માંથી નજીકમાં આવેલ નાની બાણુગરના સર્પ પ્રેમી મિલન કંટારિયાનો સંપર્ક કર્યો હતો. સાપ હોવાની જાણ થતાં રેસ્ક્યુર મિલન કંટારિયા સ્થળ પર દોડી ગયા હતાં. ત્યાં તેઓને જામનગર જિલ્લામાં અતિ દુર્લભ જોવા મળ્યો.

જામનગરમાંથી આંશિક ઝેરી Indian Ribbon Snake / Leith's Sand Snake "પટીત રેતીયો સાપ" મળી આવ્યો હતો. ત્યારબાદ વન વિભાગના સહયોગ થી સફળતાપૂર્વક બચાવ કરીને અને કુદરતના ખોળે તેને મુક્ત કરી દેવામાં આવ્યો. આવા અલગ પ્રકારનો સાપ જોઈને ભયભીત થયેલા કારખાનાના કામદારોને મિલન કંટારિયાએ સાપ વિશે સાચી માહિતી આપી હતી અને તમામ લોકોનો ભય દૂર કર્યો હતો.

તેમજ કોઈપણ જગ્યાએ સાપ જોવા મળે તો લાખોટા નેચર કલબ મિલન કંટારિયા 99796 66483 નો સંપર્ક કરવા જણાવાયું હતું. છેલ્લાં ઘણાં સમયથી જામનગરની જાણીતી સંસ્થા લાખોટા નેચર કલબ ફ્રી સાપ બચાવની કામગીરી, ઘાયલ પક્ષીઓ બચાવવા અને તેની સારવાર, વૃક્ષારોપણ કરવું તેમજ પ્રકૃતિ સંરક્ષણ સહિતની વિવિધ પ્રવૃતિઓ કરી રહી છે.

(4:39 pm IST)