Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જામનગર આણદાબાવા સંસ્થાના મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજ દ્વારા હિન્દુ મોક્ષ મંદિરને ૧,૫૧,૦૦૦ અર્પણ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧ :. કોરોના મહામારીના બિહામણા સ્વરૂપને પગલે ટપોટપ માનવીઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે સ્મશાનમાં અગ્નિદાહ માટેની પરેશાનીના નિવારણના પ્રયાસરૂપે શહેરના સ્મશાનમાં લાકડાની તંગી સતત વર્તાઈ રહી હોય ત્યારે શહેરની સેવાભાવી આણદાબાવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજીએ આગળ આવી મોક્ષ મંદિરમાં પડતી લાકડાની તંગીને પહોંચી વળવા દાનની જાહેરાત કરી હતી.

હાલની કોરોના મહામારીની પરિસ્થિતિ સમગ્ર દેશની સાથે સાથે જામનગર શહેરમાં પણ છે ત્યારે અનેક મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે જામનગર મોક્ષ મંદિરમાં લાકડાની જરૂરીયાત વધુ પ્રમાણમાં ઉભી થઈ રહી છે ત્યારે જામનગરની આણદાબાવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદ મહારાજ તરફથી માણેકલાલ પરસોતમદાસ માધવરાય મંદિર ચેરીટેબલ ટ્રસ્ટના નામથી મોક્ષ મંદિરને ૧,૫૧,૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવેલ છે.  તો આ તકે સંસ્થાની જરૂરીયાત વેળાએ સંસ્થાની પડખે ઉભા રહીને સંસ્થાને મદદ કરવા માટે ઉપરોકત મહાનુભાવોનો સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે. માતાજી તેમની તંદુરસ્તી બનાવી રાખે અને તેઓ આવા જ કાર્યો માટે સદાય તત્પર રહે તેવી શુભકામના. તેમ મોક્ષમંદિર ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાની યાદીમાં જણાવાયુ છે.

(12:56 pm IST)