Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જામનગરના ગુજસીટોકના ગુનામાં સાત આરોપીની જામીન અરજી

પોલીસે ૩૦૦૦ પાનાનું ''ચાર્જશીટ'' રજૂ કરતાં સાતેય આરોપીઓ દ્વારા અલગ-અલગ ગ્રાઉન્ડ દર્શાવી જામીન અરજી કરીઃ રાજકોટની સ્પે.કોર્ટમાં સુનાવણી પુરી થતાં સપ્તાહના અંતમાં ચુકાદો આપવાની સંભાવના

રાજકોટ તા.૧ : જામનગરના જયેશ પટેલ ગેંગના સાત આરોપીઓ દ્વારા રાજકોટની સ્પે. કોર્ટમાં ''ચાર્જશીટ'' બાદ જામીન પર છુટવા અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી પુરી થતાં આ સપ્તાહમાં જામીન અરજીનો ચુકાદો આવવાની સંભાવના છે.

તાજેતરમાં જામનગર પોલીસ દ્વારા ગુજસીટોકના આ નવા કાયદા હેઠળ ૩૦૦૦ પાનાનું કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું.

આરોપીઓ સામે ગેંગ બનાવી જુદા જુદા આસામીઓની કરોડોની કિંમતની જમીનો હડપ કરી જવા ખંડણી માંગવા સહિતના આરોપ સબબ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો.

આરોપી પ્રફુલ જયતિલાલ પોપટ પોતાને જયેશ પટેલની ખંડણીનો ભોગ બનનાર હોવાનું જણાવે છે, પરંતુ જયેશ પટલએ આ પ્રફુલ પોપટ સાથેફોન ઉપર વાતચીત કરેલ તે વાતચીતમાં જયેશ પટેલ આ આરોપી પાસેથી ખંડણીની ઉઘરાણી કરતો હોય કે આરોપી ખંડણી આપવા માટે સયમની આજીજી કરતો હોય તેવો કોઇ વાર્તાલાપ થયેલ નથી. આ કારણે પ્રફુલ પોપટ અને જયેશ પટેલ વચ્ચેની વાતચીત તેઓના અગત વ્યવહારો માટેના પૈસાની લેતીદેતીના છે તેમ સાબિત થાય છે તેથી ખંડણીની વાત આપોઆપ ખોટી ઠરે છે.

આરોપી વસંતલાલ લીલાધર માનસતા

પોતાને મુખ્ય આરોપી જયેશ પટેલના વકિલ હોવાનું જણાવી તેઓએ કરેલ તમામ કાર્યવાહી વ્યવસાયીક ધોરણે કરેલ હોવાનું જણાવી રજુઆત કરેલ કે, આરોપીના વકીલ તરીકે તેઓએ કામગીરી કરેલ હોય આવી કામગીરીને ગુનાહીત કૃત્ય ગણી શકાય નહી. શ્રી સરકાર તરફે જણાવવામાં આવેલ કે, વકિલ તરીકે આ આરોપીએ ૩-વર્ષના ગાળામાં ૧૩-જાહેર નોટીસો જામનગરનું દૈનિક અખબાર ''નોબત''માં પ્રસિધ્ધ કરાવેલ છે તેવા પ્રકારની કોઇપણ નોટીસો આરોપીએ અન્ય કોઇપણ અસીલ વતી પ્રસિધ્ધ કરાવેલ નથી. કોઇપણ જમીન ઉપર જયેશ પટેલનું હિત હોય તેવા કોઇપણ લેખીત દસ્તોજ વિના આરોપી વકિલ તરીકે જાહેર નોટીસ પ્રસિધ્ધ કરાવેલ છે. આરોપી જયેશ પટેલ ૩ વર્ષથી ફરાર હોવા છતાં તેઓ વતી આ તમામ જમીનો અંગે સમાધાન થયેલ હોવાની નોટીસો પણ પ્રસિધ્ધ કરાવેલ છે. આવી નોટીસો ફકત જાહેર જનતાને ડરાવવા માટે પ્રસિધ્ધ કરાવામાં આવેલ હતી.

આરોપી વશરામભાઇ ગોવિંદભાઇ મિયાતરાએ જણાવેલ કે, તેઓ જામનગર એલ.સી.બી.માં આસિટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકે નોકરી કરતા હતા અને તેમના પુત્રની ગંભીર બીમારીના કારણે તેઓએ વર્ષ-ર૦૧૮માં પોલીસ ખાતામાંથી રાજીનામુ આપેલ હતું. ત્યારબાદ તેઓને જયેશ પટેલ સાથે કોઇપણ પ્રકારનો સબંધ નથી તેથી તેઓ નિર્દોષ હોવાની રજુઆત કરે છે. શ્રી સરકાર તરીકે જણાવવામાં આવેલ કે, પોલીસ ખાતામાંથી રાજીનામુ આપ્યુ ત્યાર પહેલા જયેશ પટેલ ખુનના ગુન્હામાં સંડોવાયેલ હતો અને દેશ છોડીને ભાગી ગયેલ હતો. આમ છતા આ આરોપી વશરામ મિયાત્રા સાધના ફોરેકસ પ્રા.લી. નામની પેઢીના અધિકારી તરીકે જયેશ પટેલના દૈનિક અખબાર ''નવાનગર ટાઇમ્સ'' ને શુભેચ્છાઓ પાઠવેલ છે. આ ઉપરાંત તેઓએ જુન-ર૦ર૦ માં જયેલ પટેલ સાથે ૧૭-મિનિટ સુધી ફોન ઉપર વાતચીત કરેલ છે આ તમામ કૃત્યો સ્પષ્ટપણે જણાવે છે કે, આ આરોપીએ જયેશ પટેલનો વહીવટ સંભાળવા માટે પોલીસખાતામાંથી રાજીનામું આપેલ હતું.

આરોપી મુકેશ વલ્લભભાઇ અભગી એ જણાવેલ કે, તેઓને ગેંગ લીડર જયેશ પટેલ સાથે કોઇપણ પ્રકારનો સંપર્ક કે વ્યવહાર હોય તેવા પુરાવા પ્રોસીકયુશન પાસે નથી. શ્રી સરકાર તરફે જણાવવામાં આવેલ કે, ફોન કોલ રેકર્ડ મુજબ આ આરોપીએ જયેશ પટેલના સાગરીત સહ આરોપીઓ સાથે ૧-વર્ષમાં સેંકડો ફોન કોલ કરેલ છે અને સાધના ફોરેકસ પ્રા.લી. તેમજ અન્ય આગડીયા પેઢીઓમાંં આ આરોપીએ પૈસા મોકલ્યા અને મેળવ્યાના અનેક પુરાવાઓ છે. આ ઉપરાંત સહ આરોપી અનિલ ડાગરીયાએ પોતાના કબુલાત નિવેદનમાં જણાવેલ છે કે, મુખ્ય આરોપી જયેશ પટેલ વતી આ આરોપી મુકેશ અભગી અનેક વ્યવહારો કરતો હતો.

આરોપી નિલેશ મનસુખલાલ ટોળીયા એ જણાવેલ કે, તેઓને ગેંગ લીડર જયેશ પટેલ સાથે કોઇપણ પ્રકારનો સંપર્ક વ્યવહાર હોય તેવા પુરાવા પ્રોસીકયુશન પાસે નથી. શ્રી સરકાર તરફે જણાવવામાં આવેલ કે, આ આરોપીએ ૮/૮/ર૦ર૦ થી ર૬/૯/ર૦ર૦ સુધી સેંકડો ફોન કોલ જયેશ પટેલને કરેલ છે તેમજ સહ આરોપીઓ પાસેથી કરોડો રૂપિયાની રકમોજયેશ પટેલ વતી મેળવેલ છે. વધુમાં આ આરોપીએ જૈન સમાજના સમૃધ્ધ નાગરીકોની સમૃધ્ધિની વિગતો જયેશ પટેલને પહોંચાડી ખંડણી મોટી રકમોની માગણી મુકાવેલ જે રકમનો જયેશ પટેલ વતી આ આરોપીએ વ્યવહાર કરેલ છે.

આરોપી અતુલભાઇ વિઠ્ઠલભાઇ ભંડેરી એ જણાવેલ કે, તેઓને ગેંગ લીડર જયેશ પટેલ સાથે કોઇપણ પ્રકારનો સંપર્ક કે વ્યવહાર હોય તેવા પુરાવા પ્રોસીકયુશન પાસે નથી. શ્રી સરકાર તરફે જણાવવામાં આવેલ કે, જામનગરની ક્રિષ્ના પાર્ક નામની ૧૦૦ કરોડથી વધુ કિંમતની જમીનની બજાર કિંમત તોડી પાડી આ જમીન ખરીદી લેવા માટે જયેશ પટેલના કાવતરા મુજબ આરોપી અતુલ ભંડેરીએ કોર્પોરેટર તરીકે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીમાં આ જમીનને સ્મશાન જાહેર કરવા માટે ઠરાવ મુકાવેલ. આ મુજબ સમગ્ર કાવતરૂ પાર નહી પડતા આ આરોપીએ જમીનના માલીકો અને હિત ધારકો પાસેથી જયેશ પટેલ વતી કરોડો રૂપિયાની ઉઘરાણી માંડેલ. આ ઉપરાંત જયેશ પટેલના ગેંગ મેમ્બર એવા અન્ય સહઆરોપીઓ સાથે તેઓના ફોન કોલ રેકર્ડસ પુરાવા રૂપે રજુ થયેલ છે. આ રીતે આ આરોપીએ પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના હિતમાં કામ કરવાના બદલે નાગરીકોને ડરાવી ધમકાવી ખંડણી મેળવેલ છે.

આરોપી પ્રવિણ પરસોતમભાઇ ચોવટીયા એ જણાવેલ કે, તેઓ જયેશ પટેલના દૈનિક અખબાર ''નવાનગર ટાઇમ્સ''નો વહીવટ સંભાળતા હતા તે સિવાય તેઓની કોઇ અન્ય કામગીરી નથી. શ્રી સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ કે, સહઆરોપી અનિલ ડાંગરીયાની કબુલાત પ્રમાણે નવાનગર ટાઇમ્સનું કોઇ પ્રકારનું સરકયુલેશન ન હતું ત્યારે રોજની ૬-લાખ કોપીઓ વેચાતી હોવાના આકડા માડવામાં આવેલ હતા. આ હકિકતથી હાલના આરોપી પ્રવિણ ચોવટીયા માહિતગાર છે. આ રીતે આ આરોપીએ જયેશ પટેલના ગેરકાનુની ધંધાની તમામ કાળી આવક સગેવગે કરવા માટે આ દૈનિક અખબાર પત્રનો ઉપયોગ કરવામાં આવેલ જેમાં હાલના આરોપીએ સક્રિય ભાગ ભજવેલ છે.

ઉપરોકત સાતેય જામીન અરજીઓમાં શ્રી સરકાર તરફે સ્પે.પી.પી.સંજયભાઇ કે. વોરા રોકાયેલ હતા.

(11:55 am IST)