Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

મોરબીના યુવકનું તડકો લાગતા મોત : સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરો તાપ

મહત્તમ તાપમાનનો પારો ઉંચે જતા સવારથી જ અસહ્ય ઉકળાટ : બપોરે ધોમધખતા ઉનાળાનો અહેસાસ

રાજકોટ તા. ૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. મોરબીમાં એક યુવકનું તડકો લાગતા મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

છેલ્લા થોડા દિવસોથી ધોમધખતા તાપ સાથે અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સવારથી જ અસહ્ય બફારાનો અનુભવ થઇ રહ્યો છે અને મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા બપોરે ધોમધખતો તાપ પડી રહ્યો છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબીના જાંબુડીયા નજીક ઓવરબ્રીજ પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો બાદમાં પોલીસે પી એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા નીલેશભાઈ રાજેશભાઈ તડવી (ઉ.૨૨)ને પોતાના વતનમાં જવું હોય જેથી તા.૨૯ ના મોડી રાત્રીના પોતાના ભાડાના મકાનેથી ઉધાડા પગે જતો રહેલ હોય અને ઘરેથી નીકળી ગયા બાદ ખાધા-પીધા વગર રહેલ હોય અને તડકો લાગવાથી મરણ ગયેલ હોય અને તેનો મૃતદેહ જાંબુડીયા નજીકથી મળી આવ્યો હોવાની માહિતી મોરબી તાલુકા પોલીસ મથકેથી મળી છે તો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગઇકાલે રાજકોટનું મહત્તમ તાપમાન ૪૦ને પાર રહ્યું હતું અને લોકોને ભારે ઉકળાટ પણ થયો હતો. સામે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી ૫મી જૂનના રોજ રાજકોટમાં વરસાદ પડી શકે છે. હાલ દક્ષિણી - પશ્ચિમ તરફનો પવન વહેતા ગરમી અને ભેજમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જે આગામી ૧૫ જૂન સુધી યથાવત જોવા મળશે.  બુધવારથી સૌરાષ્ટ્ર - કચ્છમાં પણ વરસાદ પડશે. કેરળમાં બે દિવસ વહેલું ચોમાસુ બેસતા ગુજરાતમાં પણ વહેલું આવશે, તેવી આગાહી કરવામાં આવી રહી છે. હાલ સાંજના સમયે હવામાનમાં સતત વધ-ઘટ થતાં લોકોને રાત્રી સુધી બફારો અનુભવાઇ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : મહત્તમ તાપમાન ૩૯.૫ ડિગ્રી, લઘુત્તમ ૨૮.૫ ડિગ્રી, ભેજ ૭૨ ટકા અને પવનની ઝડપ ૧૪.૨ કિમી પ્રતિ કલાક રહી હતી.

(10:58 am IST)