Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જુનાગઢના પાદરીયામાં ૨૧.૭૮ લાખનો ૪૪૪ પેટી દારૂ જપ્ત

દારૂનું કટીંગ થાય તે પહેલા દરોડો : ક્રાઇમ બ્રાંચની કાર્યવાહીમાં ૩ વાહનો સહિત રૂ. ૪૧.૯૮ લાખનો મુદ્દામાલ ઝડપાયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧ : જૂનાગઢના પાદરીયા ગામે દારૂનું કટીંગ થાય તે પહેલા ક્રાઇમ બ્રાંચે છાપો મારીને રૂ. ૨૧.૭૮ લાખનો ૪૪૪ પેટી વિદેશી દારૂ પકડી પાડી ત્રણ વાહનો સહિત રૂ. ૪૧.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરતા દારૂના ધંધાર્થીઓમાં હલચલ મચી ગઇ હતી.

પોલીસની આ કાર્યવાહીમાં એક પણ શખ્સ હાથ આવ્યો ન હતો. માત્ર બે શખ્સોના નામ ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ નજીકના પાદરીયા ગામના સીમ વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટી ખાતે વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમી મળતા ડીઆઇજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ સેટીની સુચનાથી ગત મોડી રાત્રે ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. ભાટી તેમજ પી.એસ.આઇ. ડી.જી.બડવા, જલુ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.

પોલીસની આ કાર્યવાહીથી પાદરીયા ગામના નવા સરમણ રબારી અને અલ્પેશ સરમણ રબારી સહિતના શખ્સો નાસી ગયા હતા.

સ્થળ પરથી રૂ. ૨૧.૭૮ લાખની કિંમતનો ૪૪૪ પેટી (૫૩૨૮ બોટલ) વિદેશી દારૂનો જથ્થો તેમજ જીજે૧૨બીડબલ્યુ-૦૩૫૪ નંબરનું આઇસર, જીજે૧૩-ડબલ્યુ-૦૮૧૯ નંબરનો ટ્રક તેમજ જીજે૨૭ટીટી-૦૨૫૭ નંબરનું પીકઅપ સહિત ત્રણ વાહનો મળી આવ્યા હતા.

ક્રાઇમ બ્રાંચે દારૂ તેમજ વાહનો મળી કુલ રૂ. ૪૧.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી જૂનાગઢ તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:58 am IST)