Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ઉનાની કાજરડી સીમમાં રાવણ તાડ ઝાડ વાવાઝોડામાં પણ અડીખમ રહયું

(નિરવ ગઢિયા દ્વારા) ઉના, તા.૧: ગુજરાતના પશ્ચિમ ભાગનો છેવાડાનો તાલુકો ઊના અને એનું કાંઠાળ વિસ્તારનું ગામ, કાજરડીની પશ્ચિમ સીમમાં તાડનું એક ઝાડ છે. તેની ઊંચાઈનો કોઈ ચોક્કસ કયાસ કાઢી શકાયો નથી પણ ઘણાં કિલોમીટર દૂરથી પણ આ તાડ જોઈ શકાય છે. એટલા પંથકમાં સૌથી ઊંચું ઝાડ હોવાથી અહીં લોકો એને 'રાવણ તાડ' કહે છે. રાવણ તાડને વાવાઝોડામાં પણ અડીખમ રહયું હતું.

ઊનાથી દીવ જાઓ તો રોડની બંને બાજુ લાલ છાલના ફળ હોકાના ઝાડ 'તાડ' જોવા મળે. સમયના કોઈ સ્તરે અહીં તાડના જંગલો હશે. એટલું જ નહીં ખૂબ ઊંચા તાડના વૃક્ષો પણ હશે. માનવ વસાહતો જેમ વસતી ગઈ હશે એમ આ ઝાડ કપાતાં ગયાં હશે. આજે તો નાશઃ પ્રાય ઝાડની યાદીમાં આનો સમાવેશ છે ને તંત્રે રક્ષિત વૃક્ષોમાં જાહેર કર્યાં છે. 'વિકાસ' અને કુદરતી વિનાશ વચ્ચે આ વાવાઝોડા બાદ તો એ સંખ્યા પણ હવે ઓછી થઈ ગઈ હશે. ત્યારે કાજરડી ગામનો આ 'રાવણ તાડ' અનેક સદીઓની કથાઓ અને પરિવર્તનના પવનની વાતો પોતાની પાસે સાચવીને બેઠો છે.

કાજરડી ગામના કોઈપણ વૃધ્ધને પૂછો તો કહેશે કે અમે નાના હતા ત્યારથી આને આમનામ જોઈએ છીએ. ૧૯૮૨ ના વાવાઝોડા વખતે પણ ઘણી તારાજી સર્જાઈ હતી પણ ત્યારે પણ રાવણ તાડ અણનમ હતો. એક વાયકા એવી પણ છે કે રાવણનું એક માથું અહીં પડ્યું હતું અને એમાંથી ઊગેલું આ તાડ છે. એને ઘણાં ભૂકંપ અને વાવાઝોડા જોયા છે, એમાં એ પડ્યો નથી. વર્ષો પહેલાં થડ માંથી એને કાપવાનો પ્રયત્ન કર્યો હોય એવા કાપા જોવા મળે છે, પણ આજે તો એ ગામના ગૌરવ સમો ઊભો છે. આ 'રાવણ તાડ' ઘણી પેઢી જોઈ ચુકયો છે. કાજરડી ગામના વડીલો કહે છે આશરે ૨૫૦ વર્ષ કરતા પણ આ વૃક્ષ જૂનું છે. અને કાજરડી ગામની ઓળખ જ 'રાજણ તાડ' છે.

ટેકનોલોજી સાથ આપે તો આ તાડની ઊંચાઈ, એના વર્ષો અને એની ટોંચના પુરાવા પ્રાપ્ત કરી શકાય અને તેની પાસે તાળવ હોઈ, સરકાર સ્થળને આસપાસના ગામ માટે એક ઉપવન તરીકે પણ 'વિકસાવી' અને આ ઝાડને કાયમી રક્ષણ આપી શકે એવી પ્રાકૃતિક જગ્યા પર 'રાવણ તાડ'નું અસ્તિત્વ છે. (તસ્વીર અને પૂરક માહિતીઃરવિ તન્ના)

(10:43 am IST)