Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

કચ્છના નાનકડા વિરાણીયા ગામે ૩ ટી થકી આપી કોરોનાને મ્હાત: ટ્રેસ, ટેસ્ટ, ટ્રીટનો અભિગમ સફળ

એક સમયે ૨૭ પોઝિટિવ દર્દીઓ હતા પણ હવે ગામ 'કોરોના મુકત'

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) સરકારની 'મારુ ગામ કોરોના મુક્ત ગામ' પહેલ સાથે કદમ મેળવનાર ગામોમાં આ પહેલ અસરકારક નીવડી છે. જે થકી અનેક ગામડાઓએ જાગૃતિ દાખવી કોરોનાને મહાત આપી છે. આવું જ એક કચ્છમાં મુન્દ્રા તાલુકાનું વિરાણીયા ગામ છે. જેણે ત્રણ ટી ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ દ્વારા કોરોનાને ટક્કર આપી જાગૃતિ અને સમજદારી દાખવી છે.

કચ્છના મુન્દ્રા તાલુકાનું ૧૦૦૦ જેટલી વસ્તી ધરાવતું નાનકડું વિરાણીયા ગામ અને અહીંના યુવા સરપંચ શક્તિસિંહ જાડેજા કોરોના સામે શરૂઆતથી જ સતર્ક હતા. અનેક પ્રતિબંધ અને મહેનત છતાં કોરોના ગામમાં પ્રવેશ્યો અને એક સમય એવો પણ આવ્યો કે ગામમાં પોઝિટિવ કેસની સંખ્યા ૨૭ જેટલી થઈ ગઈ. ત્યારે સરપંચશ્રી, ગ્રામ પંચાયત  અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ સતત કોરોનાને નાથવાના પ્રયત્નોમાં લાગી ગયા. આખરે તેમનો આ જુસ્સો, જહેમત અને જનભાગીદારીએ રંગ રાખ્યો અને ટૂંક જ સમયમાં વિરાણીયા કોરોના મુક્ત બની ગયુ.

કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું અને સરકારશ્રી દ્વારા આપવામાં આવતી તમામ ગાઇડ લાઇનનું પણ ચુસ્ત પણે પાલન કરાવાયું. ગામમાં લોકોને બિનજરૂરી બહાર નીકળવા પર તેમજ ગામમાં કોઇપણ ફેરિયાઓને પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યા .આ ઉપરાંત ગામના લોકોનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો ગ્રામજનોએ પણ હિંમતભેર કોરોનાનો સામનો કર્યો. ગ્રામ પંચાયત દ્વારા પણ અવારનવાર માસ્ક વિતરણ, સેનેટાઈઝ કરવું, ઉકાળાનું વિતરણ વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી.

ગામના કોરોનાનો પગ પેસારો થતા જ આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતે સંયુક્ત રીતે ઘરે ઘરે ફરીને આરોગ્ય સર્વે કર્યા. જેમાં થર્મલ ગન દ્વારા તાપમાન અને ઓક્સીમીટર દ્વારા ઑક્સિજનનું લેવલ માપવામાં આવ્યું. શંકાસ્પદ લક્ષણો જણાય તેવા લોકોના રેપિડ ટેસ્ટ અને જરૂર પડે તો આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા.

જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેમને ટ્રેસ કરી ઘરે જ હોમકવોરન્ટાઈન કરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. ગ્રામ પંચાયત દ્વારા અપનાવેલ ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ એમ ૩ ટી અભિગમ થી તમામ લોકો સ્વસ્થ બન્યા કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન પડી કે નથી કોરોના ના કારણે કોઇ જાનહાની થઈ.

આ અંગે યુવા સરપંચ શ્રી શક્તિસિંહ જાડેજા જણાવે છે કે અમારા આવડા નાનકડા ગામમાં ૨૭ વ્યક્તિ સંક્રમિત થવા એ અમારા માટે આફત સમાન હતું. જોકે, ગ્રામ પંચાયતે જે ત્વરિત પગલાં લીધા અને ગ્રામજનોએ પણ જે જાગૃતિ અને હિંમત દાખવી તે થકી જ કોરોનાને મ્હાત આપવી શક્ય બની. અમને વાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો. બસ આમ તમામના સહિયારા પ્રયાસથી કોરોના સામનો આ  જંગ જીતી શકાયો અને વિરાણીયા ગામ કોરોના મુક્ત બન્યું.

(9:39 am IST)