Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

પોરબંદરમાં કરજ વધી જતા બોટ માલિકનો આપઘાત

સાગર ખેડૂઓની ધરતીપુત્રો જેવી હાલત : આર્થિક નબળા વર્ગના માછીમારોને સરકાર લોન આપે તેવી માગણી : ૧૨ વર્ષની પુત્રી તથા ૨ પુત્રો પત્ની નોંધારા : ફિશીંગ માલ જ મળતા સીઝન વહેલી બંધ : સબસીડીની રકમ સમયસર ચુકવવા માગણી

પોરબંદર તા. ૧ : દરિયામાં પૂરતો ફિશીંગ માલ ન મળતા ફિશીંગ સીઝન વહેલી બંધ થઇ ગઇ છે. કેટલાક માછીમારો કરજવાન થઇ ગયેલ છે. બે દિવસ પહેલા ગોવિંદભાઇ નામના બોટ માલિકે કરજ વધી જતા આપઘાત કરી લીધો હતો.

ધરતીપુત્રોને જેમ પાક નિષ્ફળ જતા આપઘાત કરવો પડે તેવી સ્થિતિ સાગરખેડૂની થઇ છે. ફિશીંગ ધંધાને આર્થિક ફટકો લાગતા માછીમારો ઉપર આર્થિક સંકટ આવી પડયું છે. ૩૫ ટકા બોટ વહેલી કાંઠે ચઢાવી દેવાય છે. બોટ માલિક ગોવિંદભાઇના આપઘાતથી તેની ૨ વર્ષની પુત્રી, ૨ પુત્રો તથા પત્ની નોંધારા બની ગયેલ છે.

બોટ એસોસીએશનના પૂર્વ પ્રમુખ જીવનભાઇએ જણાવેલ કે, માછીમારના ધંધા ભાંગી પડયા છે. માછીમારો ઉપર કરજ વધી ગયું છે. અગાઉ ૩ માછીમારોએ આત્મહત્યા કરી હતી. ખારવા જ્ઞાતિના વાણોર સુનીલભાઇએ જણાવેલ કે, મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવા સરકાર આર્થિક ભીંસમાં ફસાયેલ માછીમારોને લોન આપે તથા સબસીડીની રકમ ચુકવી આપે તે માગણી છે.

(11:51 am IST)