Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

પાલીતાણામાં ગુલકંદનાં માર્કેટને પણ લોકડાઉનની અસર નડી

પ્રવાસીઓ ન આવતા ઉનાળાની સીઝનમાં વેપારીઓને નુકશાન

પાલીતાણા, તા.૧: પાલીતાણામાં ગુલકંદનું માર્કેટ પાલીતાણામાં બહુ મોટું છે. વર્ષ દહાડે અંદાજે એક લાખ કિલોનું ગુલકંદનું વેચાણ છે. પાલીતાણામાં ગુલકંદ તૈયાર કરવાવાળા પાંચથી છ વ્યકિત જ બનાવે છે. વેચાણ આશરે ૮૦ થી ૧૦૦ દુકાનોથી થાય છે.

ગુલકંદની માંગ બારે જ માસ રહે છે પરંતુ માર્ચથી જુન સુધી વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. વર્ષ દહાડે જે વેચાણ છે તેના (અડધુ) ૫૦% વેચાણ હાલ આજ ઉનાળાની સીઝનમાં થાય છે. પાલીતાણામાં ગુલકંદમાં પણ વેરાયટી જોવા મળે છે.

જેમાં સાદો ગુલકંદ, ખડી સાકર ગુલકંદ, પ્રવાલ ગુલકંદ જે આયુર્વેદ ભસ્મ દ્વારા તૈયાર થાય છે) કેસર એલાયચી ગુલકંદ, ડ્રાયફ્રુટ ગુલકંદ તૈયાર થાય છે. જેમાં વધુ માંગ સાદો અને ખડી સાકરથી તૈયાર થયેલ ગુલકંદની રહે છે. સામાન્ય રીતે ગુલકંદના ભાવ ૧ કીલો પ્રતિના રૂ.૧૨૦થી ૩૦૦ સુધીના છે. ગુલકંદ શરીરની તેજા ગરમીને ખેંચી લેવામાં પણ ઉપયોગી છે. ગુલકંદમાંથી વિવિધ મીઠાઇ પણ બને છે. જેમ કે ગુલાબ કતરી, સંગમ કતરીમાં ગુલકંદનું વચ્ચે પડ આવે છે. તેમજ ગુલાબપાક  પણ તૈયાર થાય છે. તેમજ ગુલકંદ પાનમાં ઉપરાંત જયુસ બનાવવામાં થાય છે. મુરબો પણ તૈયાર થાય છે. ગુલકંદ કહેવાય છે કે એકાદ વર્ષ સુધી બગડતો નથી. ફ્રીઝમાં ગુલકંદ રાખી શકાતો નથી. ગુલકંદ અનેક રીતે ઉપયોગી થવાથી માંગ પણ ખુબ જ રહે છે. ગુલકંદ ગુજરાતમાં પાલીતાણા રાજસ્થાનના પુષ્કરક (અજમેર), ઉત્તરપ્રદેશના કનોઝમાં તૈયાર થાય છે. પરંતુ ગુલકંદ પાલીતાણાની જમીન ફળદ્રુપ, તેથી ગુલાબ સારી ગુણવંતામાં થતા હોવાથી ગુલકંદની કવોલીટી ગુણવતા સારી હોય છે ત્યારે ગુલકંદ પાલીતાણા આવતા યાત્રીકો અવશ્ય લઇ જાય છે જેથી ઉનાળાના ત્રણ-ચાર માસમાં ૫૦ હજાર કીલોનું વેચાણ થતુ હોવાનું વેપારી કહી રહ્યા છે.

ચાલુ વર્ષ કોરોનાને લઇ માર્ચથી શરૂ થયેલ લોકડાઉનની અસર ગુલકંદના વેચાણમાં પણ થઇ છે. હાલ ગુલકંદ વેચાણ વિનાનો મોટો જથ્થો વેપારીના ઘરમાં પડેલો છે. આ સમયે ઉનાળાના મહીનામાં યાત્રીકો ન આવવાથી અડધા કરોડનો ગુલકંદ વેચાણ અટકયું, ગુલકંદના વેપારીને મોટી નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.

(11:50 am IST)