Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

કેન્દ્ર સરકાર દ્વારા બેરોજગારીના પ્રશ્નો હલ ન થતા નિરાશાઃ વિરજીભાઈ ઠુંમર

લાઠીના કોંગ્રેસના ધારાસભ્યના દિલ્હીમાં જનઆક્રોશ રેલી બાદ પ્રહારો

અમરેલી, તા. ૧ :. એ.આઈ.સી.સી. દ્વારા દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં આયોજીત જનાક્રોશ રેલીમાં ભાગ લઈ અમરેલી પરત ફરેલા પ્રદેશ કિશાન - ખેત મજદુર કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ સાંસદ અને લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રિતી-નીતિ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેના ચાર વર્ષના શાસન દરમિયાન ઘરઆંગણા (દેશ)ની અનેક સમસ્યાઓ પૈકીની એક પણ સમસ્યાઓ સુખદ ઉકેલ લાવી શકયા નથી. ઉલ્ટાનું તેના શાસનમાં સમસ્યાઓમાં વધારો થયો છે. તેમા શંકાને લગીરેય સ્થાન નથી. વડાપ્રધાન કાશ્મીર સમસ્યાનો દ્વિપક્ષીય શાંતિ મંત્રણા (વાતચીત) દ્વારા ઉકેલ લાવવાના બદલે કાશ્મીર સમસ્યાને કોમવાદી રંગે રંગીને એટલી હદે ગુંચવી નાંખી છે કે, નજીકના ભવિષ્યમાં અથવા તો મોદીજીના શાસનમાં કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવશે તેવી કોઈ શકયતાઓ દેખાતી નથી.

શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યુ કે વડાપ્રધાનની ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથેની અનૌપચારીક વાતચીતમાં વિશ્વમાં શાંતિ અને સ્થિરતાની વાતો કરે છે અને ઘરઆંગણે કોમ-કોમ વચ્ચે ધિક્કાર-ધૃણા અને નફરત ફેલાવી હિંસા દ્વારા ક્રિશ્ચયન અને મુસ્લિમ લઘુમતીઓને ડરાવવા-ધમકાવવાની રાજનીતિ કરે છે તે બંધ થવી જોઈએ અને તો જ દુનિયાના કોઈપણ ખૂણે જીઈને વિશ્વમાં શાંતિ અને સ્થિરતાની વાતો કરવી યોગ્ય દેખાશે નહીં તો કુંડુ કાથરોટને હસે છે એવો ઘાટ ઘડાશે.

શ્રી ઠુંમરે અંતમાં જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળને હજુ એક વર્ષ બાકી છે ત્યારે હું તેમને આ નિવેદનના માધ્યમ દ્વારા જણાવવા માંગુ છુ કે વિશ્વની સમસ્યાઓ ઉકેલવા માટે વિશ્વની જે છ મહાસત્તાઓ છે તે રાત-દિવસ સતત ચિંતન અને મનન સાથે અથાક પ્રયત્નો કરે છે પરંતુ તમે દેશની ૧૨૫ કરોડ જનતાને મોટા મોટા સપનાઓ દેખાડીને સત્તામાં આવ્યા પછી એકેય સપનુ સાકાર કરી બતાવ્યું નથી એટલું જ નહીં આપના શાસનમાં દેશમાં બેરોજગારીની સમસ્યા એટલી બધી વકરી ચુકી છે કે રોજગારથી વંચિત દેશના કરોડો યુવાનોમાં મનમાં એક પ્રકારની ચિંતા ઘર કરી રહી છે. તેમના ચહેરા ઉપર નિરાશા છવાયેલી છે. તેનો ઉકેલ લાવવાની સક્ષમતા પુરવાર કરવા હજુ આપની પાસે એક વર્ષનો સમય બચ્યો છે.

મહિલાઓ અને દલિતો તથા લઘુમતીઓ ઉપર થતા અત્યાચારોમાં વધારો થયો છે તેની સામે સખ્ત હાથે કામ લેવાની જરૂર છે. ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે ત્યારે ઉદ્યોગ જગતના મુઠ્ઠીભર માંધાતાઓની લોન માફ કરવાના બદલે જગતના તાત સમાન ખેડૂતોના દેવા નાબુદ કરવાની જરૂર છે. પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાનને આંબી રહ્યા છે, દરેક વર્ગોમાં માનસિક તનાવ વધ્યો છે ત્યારે ઘરઆંગણા (દેશ)ની સમસ્યાઓ ઉપર ધ્યાન આપવાના બદલે વૈશ્વિક સમસ્યાઓ ઉકેલવાની હાસ્યાસ્પદ વાતો કરી લોકોનું ધ્યાન બીજે દોરવાના પ્રયાસો કરે છે પણ દેશ અને દુનિયાના લોકો આપને ઓળખી ચૂકયા છે એટલે હવે કોઈને ઝાઝો સમય મુર્ખ બનાવી શકાય તેમ નથી તેમ અંતમાં વિરજીભાઈ ઠુંમરે જણાવ્યુ હતું.

(3:53 pm IST)