Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

કાલે પ્રદેશ પ્રમુખ ચાવડા- વિપક્ષી નેતા ધાનાણી મોરબીમાં

દિલ્હીની રેલીમાં ભાગ લઇને પરત આવેલ પ્રદેશ નેતાઓ ફરી આરંભશે જનસંપર્ક અભિયાન

રાજકોટ તા.૧: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આવતીકાલે બપોરના મોરબી આવી રહ્યા છે. મોરબી શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહી બન્ને નેતાઓ રાજયભરમાં આદરેલ જનસંપર્ક અભિયાન યાત્રાને અનુલક્ષીને કોંગ્રેસ સંગઠનને વધુ મજબુત બનાવવા વિચારવિમર્શ કરવા ઉપરાંત લોકોના પ્રશ્નોની પણ જાણકારી મેળવશે.

૨૯મીએ દિલ્હી ખાતે રાહુલગાંધી ના વડપણ હેઠળ ની બંધારણ બચાવો રેલીમાં ગુજરાતના સંખ્યાબંધ આગેવાન કાર્યકરો સાથે ભાગ લેનાર પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષી નેતા દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા અને ગુજરાતના સંગઠન અને ભાજપ સામેની લડત બાબતે વિચાર વિમર્શ કર્યો હતો.

ગઇકાલે દિલ્હીથી પરત ફરેલા બન્ને કોંગી આગેવાનો આવતીકાલથી ફરી જનસંપર્ક અભિયાન આરંભશે. આવતીકાલે મોરબી જીલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક બપોરના બે વાગ્યે મોરબી ખાતે મળશે.

મોરબી જીલ્લામાં ઘણા વર્ષો બાદ કોંગ્રેસી સંગઠનમાં જીવ આવ્યો છે. કોંગ્રેસના ગત વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા વધી છે. કોંગ્રેસના આગેવાનોમાં આવતીકાલની બેઠક માટે ભારે ઉતેજના અને ઉત્સાહ છે.

આવતીકાલની બેઠકને સફળ બનાવવા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ તમામ ધારાસભ્યો તથા શહેર-જીલ્લા સમિતિના હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તથા વિપક્ષી નેતા આવતીકાલે મોરબી શહેરમાં ટાઉન હોલ ચોક ખાતેથી યોજાનારા સ્કુટર રેલીમાં પણ ઉપસ્થિત રહી સ્કુટર રેલીમાં જોડાશે.

(11:50 am IST)