Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

હળવદના ટિકર ગામના ૧પ૦ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં અભ્યાસના 'શપથ' લીધા

મોંઘીદાટ ખાનગી સ્કુલમાં અભ્યાસના વધતા ક્રેઝ સામે પ્રેરણાદાયી કિસ્સ

હળવદ તા. ૧ :.. હાલમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પરીક્ષા પુર્ણ થઇ ગઇ વેકેશન પડી ગયું છે. વિદ્યાર્થીઓ, વાલી વેકેશન ગાળવા જઇ રહ્યા છે અને દોઢેક માસ બાદ નવા સત્રની શરૂઆત થશે. પરંતુ આ સત્ર શરૂ થાય એ પહેલા હળવદ તાલુકાનાં ટીકર ગામનાં વાલી એકત્ર થયા હતા આ એકત્રીકરણ બાદ ૧પ૦ છાત્રો તેમજ તેઓનાં વાલીઓએ સાથે મળીને એક નિર્ણય કર્યો જે આજનાં સમયમાં પ્રેરણાદાયી છે.

આ તમામે એક પ્રતિજ્ઞા લીધી કે ધો. ૧ થી ૮ (પ્રાથમિક) સરકારી શાળા અને ધો. ૧૦ થી ૧ર (માધ્યમિક) સરકારી શાળામાં જ અભ્યાસ કરવો. આ નવી પહેલ કરનાર ટીકર ગામ તાલુકાભરમાં પ્રથમ ગામ બન્યુ છે દસ હજાર જેટલી વસ્તી ધરાવતા ટીકર ગામમાં ધો. ૧ થી ૮ અને ધો. ૯ થી ૧ર એમ પ્રાથમિક તથા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની સરકારી શાળાઓ છે છતાં પણ ગામનાં કેટલાય વિદ્યાર્થીઓ ૧૭ કિલો મીટર હળવદ સુધી અપડાઉન કરતાં જેનાથી સમય અને નાણાનો વ્યય થતો હતો.

આ નિર્ણયને ગામનાં વયોવૃધ્ધ તથા આગેવાનોએ આવકારેલ છે જીલ્લા પંચાયત (મોરબી) નાં ટીકર સદસ્ય અને સ્થાનિક એવા ધર્મેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે ગામનાં  વિદ્યાર્થીઓને ખાનગી શાળાની તગડી ફી નહી ભરવી પડે અને અપડાઉનમાંથી છૂટકારો મળશે.

હાલમાં મોઘુંદાટ બની રહેલું ખાનગી શિક્ષણની સામે સરકારી શાળામાં શિક્ષણ મેળવવાની ઇચ્છા ખરેખર આવકાર દાયક તેમજ નવો રાહ ચીંધનાર નિર્ણય છે.

સ્થાનિક સરકારી શાળામાં અભ્યાસથી અપડાઉનનો સમય બચે છે જેથી વિદ્યાર્થી પોતાના ઘરે અભ્યાક્રમની પ્રેકટીસ પણ સરખી રીતે કરી શકે જેનાથી તેના જ્ઞાન અને રીઝલ્ટની ટકાવારી પણ ઉંચી આવી શકે છે.

(11:31 am IST)