Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

સમૂહ લગ્નોથી સમાજમાં સમાનતા ઉભી થાય છેઃ રાજયમંત્રી વાસણભાઇ આહીર

આડેસરમાં વાગડ ચોવીસી ગુર્જર મેદ્યવંશી સમાજ દ્વારા સમૂહલગ્ન

ભુજ, તા.૧ : કોઇ કરોડપતિની દીકરી કે નાના માણસનો દીકરો પણ સમૂહ લગ્નના ફેરાં ફરતા હોય તે દ્રષ્ય જોઇને ગરીબ-તવંગરના ભેદ મીટાવતાં અને એક છત્ર નીચે, એક માંડવા નીચે યોજાતાં સમૂહ લગ્નોથી સમાજમાં સમાનતા ઊભી થાય છે, તેમ આડેસર તા. રાપર ખાતે શ્રી વાગડ ચોવીસી ગુર્જર મેદ્યવંશી સમાજ સુધારણા સંગઠન દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવને સંબોધતાં રાજયમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.

શ્રી મેઘવાળ સમાજવાડી, સણવા રોડ, આડેસર મુકામે આજે બુધપૂર્ણિમાના અવસરે મહામાનવ અને વિશ્વ વિભૂતિ ડો. બાબાસાહેબ આંબેડકરના સાનિધ્યમાં ૩૦ નવદંપતિઓને શુભકામના પાઠવતાં શ્રી આહિરે વધુમાં જણાવ્યું હતું કે, ગુર્જર મેદ્યવંશી સમાજના શિક્ષિત યુવાનોએ સમાજ માટે ઉપયોગી થવાના વિચારને અમલમાં મૂકીને પ્રથમ સમૂહલગ્ન યોજીને નવી કેડી કંડારી છે. દલિત સમાજે અન્ય સમાજોને શું નથી આપ્યું? તેમ જણાવી દલિત સમાજે પસીનો પાડીને, અનેક મુસિબતો વેઠીને બધા જ સમાજની દ્યણી બધી સેવાઓ કરી છે, તેનો ઉલ્લેખ કરીને તેમણે દલિત સમાજમાં રહેલી વફાદારીને આ તકે બેજોડ ગણાવી હતી.

આ પ્રસંગે રાપર તાલુકા પંચાયતના અધ્યક્ષ શ્રી જયદીપસિંહ જાડેજા અને કચ્છ કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીએ પણ પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યાં હતા. કાર્યક્રમના પ્રારંભે શ્રી વાગડ ચોવીસી ગુર્જર મેઘવંશી સમાજ સુધારણા સંગઠ્ઠનના પ્રમુખ બાબુલાલ હરજીભાઈ ચાવડાએ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને વડીલોએ મર્યાદિત સાધનો છતાં સમાજને એકત્રિત કરવાનો પ્રયાસ કરાયો હોવાનું જણાવ્યું હતું.

     આ પ્રસંગે માંડવી-મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા એક લાખના દાનનો ચેક તેમના પુત્ર જયદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાજયમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અર્પણ કરાયો હતો. આ પ્રસંગે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિર હસ્તે બધા સમાજના દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

ઉકત પ્રસંગે સંતો-મહંતો ઉપરાંત જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ શ્રી લક્ષ્મણસિંહ સોઢા, આડેસરના સરપંચ ભગાભાઈ લાલાભાઈ આહિર, મહાદેવભાઈ જોગુ, વિજયભાઈ ચક્રવર્તી, ઉદ્યોગપતિ ભચુભાઈ આરેઠીયા, ડાહ્યાભાઈ ભરવાડ, સંગઠ્ઠનના ઉપપ્રમુખ મુકેશભાઈ પરમાર, દલપતભાઈ સોલંકી, મંત્રી રમેશભાઈ ચાવડા, પ્રથમ સમૂહ લગ્નના ભોજનના દાતા વાલજીભાઈ હાજાભાઈ સોલંકી પરિવાર સહિતના દાતાઓ અને સમૂહ લગ્ન સમિતિના હોદ્દેદારો,સમાજના અગ્રણીઓ, કાર્યકરો, આમંત્રિત મહેમાનો અને પદાધિકારીઓ, વર-વધૂ પક્ષના જાનૈયાઓ, માંડવીયાઓ વગેરે ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન રામજીભાઈ મેરીયાએ કર્યું હતું.

(11:28 am IST)