Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

પોરબંદરમાં એસ.ટી. ડ્રાઈવરો સહિત ૩૦૦ કર્મચારીઓનો આંખનો ચેકઅપ કેમ્પ યોજાયોઃ માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવણી

પોરબંદર, તા. ૧ :. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદના ઉપક્રમે અને એસ.ટી. ડેપો દ્વારા 'રોડ સુરક્ષા સપ્તાહ' ઉજવણી અંતર્ગત ડ્રાઈવરો, કંડકટર, મીકેનીકલ કર્મચારી માટેના કાર્યક્રમો તાજેતરમાં એસ.ટી. ડેપો ખાતે યોજવામાં આવ્યા હતા.

ગુ.રા.મા.વ્ય. નિગમ અમદાવાદ દ્વારા નિગમમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટે, પ્રાણઘાતક અકસ્માતો નિવારી શકાય તેમજ ડ્રાઈવર, કંડકટર અને મીકેનીકલ કર્મચારીઓને સેફટી પ્રત્યે સંવેદનશીલ બનાવી શકાય તેવા ઉમદા હેતુસર પોરબંદર એસ.ટી. ડેપો ખાતે ટ્રાફીક નિયમન જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.

એસ.ટી. ડેપોના મેનેજર હીરીબેન કરમટાએ નિગમનું વાતાવરણ સેફટીલક્ષી બનાવી તેને નિયમિત રીતે જાળવવાના સંકલ્પ સાથે સમગ્ર કાર્યશૈલી સેફટીમય બને તથા કામદારો માટે સેફટી એક મંત્ર બની જાય ત્યારે જ આ સુરક્ષા સપ્તાહ સાર્થક બને છે. તેમણે સપ્તાહભર થયેલા કાર્યક્રમોની વિગતો આપી સૌ મહાનુભાવોને આવકાર્યા હતા.

ડો. વી.આર. ગોઢાણીયા બી.એડ્. કોલેજના પ્રિન્સીપાલ અને કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડા એ જણાવ્યુ હતુ કે, મોટા ભાગના માનવ અકસ્માતો ચાલુ ગાડીએ ચાલક દ્વારા ઈયર ફોન, મોબાઈલ ફોન, ઓવર ટેઈક, નશાકારક પદાર્થોનું સેવન, આંખની તકલીફના કારણે માનવ અકસ્માતો સર્જવાનું એક સર્વેક્ષણ દ્વારા ફલીત થયુ છે ત્યારે માત્ર કાયદાથી કામ નહી ચાલે પણ લોકોની જનજાગૃતિ દ્વારા જ આ ટ્રાફીક સમસ્યાઓ નિવારી શકાશે.

રોડ સુરક્ષા સપ્તાહ ઉજવણી અંતર્ગત સપ્તાહ દરમિયાન ડ્રાઈવર સહિત ૩૦૦ જેટલા કર્મચારીઓનું સરકારી ભાવસિહંજી હોસ્પીટલ ખાતે આંખ ચેકઅપ, હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા વાહનો રસ્તા પર પાર્ક ન કરવા અપીલ કરાઈ હતી. સફરે બાબતે ડ્રાઈવરોનું ઓપન હાઉસ, અગાઉ અકસ્માત કરેલ હોય તેવા ડ્રાઈવરોને અન્ય ડ્રાઈવરો સાથે અકસ્માત બાબતે ઓપન ગ્રુપ ચર્ચા, સલામત ડ્રાઈવીંગ અને વ્યસનમુકિત, આઈ ચેકઅપ કેમ્પ સલામતીના ભાગરૂપે બસોની ૧૦૦ ટકા મીકેનીકલ ચકાસણી કરી બસોમાં રેડીયમ સ્ટ્રીપ, સાઈડ ગ્લાસ, હેડ લાઈટ, બ્રેક મેઈન્ટેશન કરાયું. બ્રહ્માકુમારી સંસ્થા મારફતે સુરક્ષા બંધન કાર્યક્રમ કરાય. અકસ્માતો ન થાય તેના સંકલ્પો સહિત કાર્યક્રમ યોજી આ સપ્તાહને સાર્થક કર્યુ હતું.

કાર્યક્રમમાં એસ.ટી.ના ટ્રાફીક ઈન્સ્પેકટર સમીરભાઈ મોરી, એસ.ટી. ડેપોના વર્કશોપના હેડ મીકેનીકલ આનંદભાઈ પરબીયા, ડ્રાઈવરો, કંડકટરો મીકેનીકલ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(11:27 am IST)