Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

સંતાનનું મ્હો જોવે તે પૂર્વે વિરપુરના ધર્મેશ કોળીનું અકસ્માતમાં મોત

ગોંડલના જામવાડી ચોકડી પાસે કાર-બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતની કરૂણાંતિકા : છ ભાંડરડામાં સૌથી નાના ધર્મેશના દોઢ વર્ષ પૂર્વે લગ્ન થયા'તા અને તેની પત્નીને નવમો માસ ચાલી રહ્યો છેઃ પરિવારમાં અરેરાટી

ગોંડલ, તા. ૧ :. જામવાડી ચોકડી પાસે બાઈક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં વિરપુરના કોળી યુવકનું મોત થયું છે. આ બનાવની કરૂણાંતિકા એ છે કે, મૃતક કોળી યુવકની પત્ની ગર્ભવતી છે અને નવમો માસ ચાલી રહ્યો છે. સંતાનનું મ્હો જોવે તે પૂર્વે જ તેનુ અકાળે મોત થતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વીરપુર રહેતા અને ગોંડલ સાવન ફેબ્રીકેશનમાં કામ કરતા ધર્મેશભાઈ ભગવાનજીભાઈ પરમાર (ઉ.વ. ૩૨) જાતે કોળી સાંજના સુમારે કામકાજ પૂર્ણ કરી પોતાના મોટરસાયકલ પર વીરપુર જવા રવાના થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પુરપાટ દોડી આવી રહેલ સ્વીફટ કાર જીજે વન કે.એલ. ૧૦૧૮ના ચાલકે હડફેટે લેતા ધર્મેશભાઈ ફુટબોલની માફક રોડ પર પડયા હતા અને હાઈવે પર પટકાતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું.  મૃતક ધર્મેશભાઈના પરિવાર અંગે સરકારી દવાખાને આવેલા તેમના સગાસ્નેહીઓને જણાવ્યુ હતુ કે, ત્રણ ભાઈ અને ત્રણ બહેનોના પરિવારમાં ધર્મેશભાઈ સૌથી નાના હતા અને દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. તેમના પત્નીને હાલ નવમો માસ ચાલી રહ્યો હોય નવજાત શિશુનું મોઢુ જોયા પહેલા જ તેમનું અકાળે મોત થતા કોળી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

(11:24 am IST)