Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

આવેશમાં આવીને બીલખાના માંડણપરાના હનુમાન મંદિરના મહંતની હત્યા કરી'તીઃ મહિપત ચાંદ્રડની ધરપકડ

જૂનાગઢ, તા. ૧ :. બીલખા નજીકના માંડણપરાના હનુમાન મંદિરના પૂજારીની હત્યામાં ક્રાઈમ બ્રાંચ અને બીલખા પોલીસે મોડી રાત્રે રામેશ્વરના મહિપત ચાંદ્રડ નામના શખ્સને ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.

જૂનાગઢ જિલ્લાના બીલખા પાસે માંડણપરા ગામના પાટીયા નજીક આવેલ હનુમાન મંદિરમાં સેવા પૂજા કરતા કૃષ્ણાનંદ ગુરૂ રામેશ્વરાનંદ (ઉ.વ. ૫૫) નામના સાધુની રવિવારે હત્યા થયેલી લાશ મંદિરમાંથી મળી આવી હતી.

આ અંગે માંડણપુરાના સરપંચ ભકિતરામ નિમાવતની ફરીયાદ લઈ બીલખાના પી.એસ.આઈ. કે.કે. ઓડેદરાએ તપાસ હાથ ધરી હતી.

દરમ્યાનમાં એસ.પી. નિલેશ જાજડીયાની સૂચના અને ડીવાયએસપી એમ.એસ. રાણાના માર્ગદર્શનમાં રાત્રે ક્રાઈમ બ્રાંચના પી.આઈ. આર.કે. ગોહિલ તેમજ બીલખાના પી.એસ.આઈ. ઓડેદરા તેમના સ્ટાફ સાથે સાધુના હત્યારાની શોધખોળમાં હતા.

ત્યારે જૂનાગઢ નજીકના ખડિયા-મેંદરડા વચ્ચેના રસ્તા પર રામેશ્વર ગામનો મહિપત જૈતાભાઈ ચાંદ્રડ (ઉ.વ. ૨૧) નામનો કાઠી દરબાર શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની પૂછપરછમા આ ઈસમ કૃષ્ણાનંદ ગુરૂ રામેશ્વરાનંદનો હત્યારો હોવાનું જણાવ્યુ હતું.

આથી પોલીસે મહિપત ચાંદ્રડની ધરપકડ કરી તેના વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ પુછપરછમાં રામેશ્વરનો આ શખ્સ હનુમાન મંદિરે સેવા-પૂજા કરવા જતો ત્યારે તેને અને મૃતક સાધુ વચ્ચે બોલાચાલી થઈ હતી. આથી આવેશમાં આવી જઈને છરીના ઘા ઝીંકી કૃષ્ણાનંદજીની હત્યા કર્યાનું મહિપત જૈતાએ કબુલ્યુ હતું.

ક્રાઈમ બ્રાંચે આ શખ્સની સાથે સાધુની હત્યામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ ? વગેરે મુદ્દે પુછપરછ માટે મહિપત ચાંદ્રડને રીમાન્ડ પર મેળવવામાં આવશે.

(11:23 am IST)