Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ઇન્ડિયન આઇડોલનું ઓડિશન આપી મુંબઇથી મોરબી પહોંચેલા જામનગરના ગાયક પર હુમલો

ફૈઝલ લંઘા (ઉ.૨૨)ને રાજકોટ ખસેડાયોઃ મિત્ર અક્ષય અને જીજ્ઞેશની કારમાં મોરબીથી જામનગર જવા નીકળ્યો ત્યારે રવાપર રોડ પર બનાવ : જીજ્ઞેશ સાથે મનદુઃખ ધરાવતાં કાદર, ઇકબાલ, સાજીદ સહિતના તૂટી પડ્યા

રાજકોટ તા. ૧: જામનગરમાં રહેતાં અને બેન્ડ પાર્ટીમાં ગાયક તરીકે કામ કરતાં ફૈઝલ મહેમુદભાઇ લંઘા (ઉ.૨૨) પર મોરબીમાં ગત રાત્રે સવા અગિયારેક વાગ્યે કાદર, ઇકબાલ, સાજીદ સહિતના શખ્સોએ હુમલો કરી માથામાં છરી ઝીંકી દેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. આ યુવાન ગઇકાલે જ મુંબઇથી ઇન્ડિયન આઇડોલ શોનું ઓડિશન પતાવી મોરબી પહોંચ્યો હતો અને મિત્રની કારમાં બેસી જામનગર જવા નીકળ્યો ત્યારે હુમલો થયો હતો.

ફૈઝલને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે મોરબી સીટી પોલીસને જાણ કરી હતી. ફૈઝલના મિત્ર જામનગર રહેતાં અક્ષય કિશોરભાઇ ગજ્જરે જણાવ્યું હતું કે ફૈઝલ ગાયક છે. મુંબઇમાં ઇન્ડિયન આઇડોલ-૧૦ નામના રિયાલીટી શોનું ઓડિશન હોઇ અમે બંને મિત્રો ત્યાં ગયા હતાં. જો કે પરમ દિવસે સિલેકશન ન થતાં અમે ગઇકાલે પરત આવ્યા હતાં. મોરબી ટ્રેનમાંથી ઉતરી જઇ રાત્રે અમારા મોરબી રહેતાં મિત્ર જીજ્ઞેશ બોરીચાની કારમાં બેસી જામનગર જવા નીકળ્યા હતાં. ત્યાં રવાપર રોડ લોહાણા બોર્ડિંગ પાસે અચાનક જ કાદર, ઇકબાલ સહિતનાએ અચાનક કારના કાચ પર પાઇપ ફટકારતાં કાચ ફુટી ગયો હતો.

એ પછી છરીનો ઘા કરતાં ફૈઝલ આગળ બેઠો હોઇ તે નીચે નમી જતાં માથામાં છરી વાગી ગઇ હતી. અમે બચાવ માટે ગાડી ભગાવી મુકી હતી અને ફૈઝલને રાજકોટ ખસેડ્યો હતો. તેમ વધુમાં અક્ષયએ જણાવતાં મોરબી પોલીસે તપાસ હાથ ધરી છે. અક્ષયના કહેવા મુજબ હુમલાખોરોને મારા મિત્ર જીજ્ઞેશ સાથે અગાઉનું મનદુઃખ હોઇ અમે તેની ગાડીમાં જતાં હોઇ અને જીજ્ઞેશ પણ સાથે હોઇ તેના પર હુમલો કરવા આ લોકો આવ્યા હતાં.

(11:21 am IST)