Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ભાવનગરનું તાપમાન ૪૪ ડીગ્રી નજીક : 'લૂ' ફેંકતો પવન

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ : બપોરે રસ્તાઓ સુમસામ

ભાવનગર : તસ્વીરમાં ભાવનગરમાં રસ્તાઓ સુમસામ નજરે પડે છે. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

રાજકોટ, તા. ૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

મહત્તમ તાપમાનનો પારો ભાવનગરમાં ૪૪ ડીગ્રી નજીક પહોંચી જતા લોકો આકરા તાપથી પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

ગઇકાલ સવારથી સર્વત્ર ધોમધખતા તાપ સાથે પવનના સુસવાટા ફૂંકાઇ રહ્યા છે અને 'લૂ'ની અસર વર્તાતા બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જાય છે.

ભાવનગર

ભાવનગર : ભાવનગરમાં ૪૩.૮ ડીગ્રી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતાં. ગઇકાલ સોમવારે ભાવનગર સમગ્ર રાજયમાં ગરમીમાં નંબર-૧ રહ્યું છે.

ગોહિલવાડમાં ગરમીનો પારો દિન-પ્રતિદન ઉંચો જતો રહ્યો છે. રવિવારે ૩૯ ડીગ્રી નોંધાયા બાદ ર૪ કલાકમાંજ ૪.૮ ડીગ્રી વધી સોમવારે ૪૩.૮ ડીગ્રી ગરમી નોંધાતા ભાવનગર રાજયમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. બપોરના સમયે તો નગરજનોએ આકાશમાંથી રીતસરના અગનગોળા વરસ્યા હોય તેવો અનુભવ કર્યો હતો. શહેરમાં સનસ્ટ્રોકને કારણે જનજીવન ઉપર વ્યાપક અસર જોવા મળી હતી. ખાસ કરી બાળકો, વૃદ્ધો અને દર્દીઓની હાલત કફોડી બની ગઇ હતી.

વઢવાણ

વઢવાણ : સુરેન્દ્રનગર શહેરની સાથે જિલ્લામાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. છેલ્લા બે દિવસથી રાજસ્થાનમાં હીટવેવના લીધે ગુજરાતમાં ગરમ પવનોરૂપી વૈશાખી વાયરાનું જોર વધ્યું છે. ત્યારે સતત વધારો ગરમીનના પારાને લીધે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું હતું. આગામી પાંચ દિવસ સુધી યલો એલર્ટ રહેવાની શકયતા છે. છેલ્લા થોડા વર્ષોથી ઝાલાવાડમાં સૂર્યનારાયણ શરૂઆતથી આકરા પાણીએ હોય તેમ આગ વરસાવી રહ્યા છે. ગરમીનો પારો સામાન્ય દિવસોમાં પણ ૪૦ ડીગ્રીની આસપાસ રહેતા લોકો ગરમીથી તોબા પોકારી ઉઠયા હોય છે. અસહ્ય ગરમીના લીધે મનુષ્યો, પશુ પંખીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. તેમાં પણ ખેતરોમાં કામ કરતા મજૂરોની સ્થિતિ દયનીય બની છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જીલ્લામાં ધ્રાંગધ્રા, હળવદ અને પાડીમાં આવેલા રણ વિસ્તારમાં ૧પ થી વધુ અગરિયાઓ કામ કરે છે ત્યારે તાપમાન રણમાં ૪પ ડીગ્રી ઉપર પહોંચતા રણ વિસ્તારમાં અગરીયાઓને રહેવું મુશ્કેલ બની ગયું છે. જયારે સુરેન્દ્રનગર શહેરમાં પણ રવિાર અને સોમવાર એમ બન્ને દિવસ મહત્તમ તાપમાન ૪ર.૮ રહેતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા હતા.

છેલ્લા થોડા વર્ષોથી દર ઉનાળામાં ઝાલાવાડમાં ગરમીનો પારો વધી રહ્યા છે. તેનુ મુખ્ય કારણ ઝાલાવાડમાં ઘટતા જતા વૃક્ષો છે. વૃક્ષો સામાન્ય રીતે હવામાં રહેલ ભેજને શોધી લેતા ગરમીનો પારો નીચો રહે અને ભેજનું પ્રમાણ ઘટે છે. જયારે વૃક્ષો ઓછા થતા હવામાં ભેજનું પ્રમાણ વધતા હીટવેવની અસર થાય છે. (૮.પ)

ગરમીનો પ્રકોપ, એપ્રિલ મહીનામાં અમદાવાદમાં ૯૭૫, ગુજરાતમાં ૩,૭૭૦ લોકો મૂર્છિત થઇ ગયા

રાજકોટ : અમદાવાદ શહેરમાં ગરમીનો પારો ૧૩ ડિગ્રીએ પશોંચી જતા શહેર અગનભઠીમાં ફરવાયું હોય તેવો માહોલ સજાર્યો છે. ગરમીનો પારો વધી જતા ગરમીને લગતા કેસોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તા. ૧થી ૩૦ એપ્રિલ સુધીમાં શહેરમાં ૪,૭૯૪ લોકોને ગરમીની અસર થતાં તેઓએ તાત્કાલિક સારવાર લેવાની ફરજ પડી હતી. રાજયમાં આ ગાળામાં કુલ ૨૦,૧૫૦ લોકોએ સારવાર લીધી હોવાનું ઇમરજન્સી સેવા ૧૦૮ માંથી જાણવા મળે છે. (૩.ર)

(11:08 am IST)