Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ગીરના એશિયાટીક સિંહના અસ્તિત્વ ઉપર ખતરોઃ અમરેલી જિલ્લામાં ૨ મહિનામાં ૪ સિંહોના મૃતદેહો મળ્યાઃ છેલ્લા બે વર્ષમાં ૧૮૪ સિંહ-સિંહણ અને બાળ સિંહનો ભોગ લેવાયો

અમરેલીઃ ગીરમાં એશિયાટિક સિંહના અસ્તિત્વ પર ખતરો પેદા થયો છે. દિવસેને દિવસે સિંહના મૃત્યુમાં વધારો થતો જણાઇ રહ્યો છે. છેલ્લા બે મહિનામા જ માત્ર અમરેલી જિલ્લામાં આવેલ ગીર ફોરેસ્ટની બાજુમાંથી 6 સિંહના મૃતદેહ મળી આવ્યા છે. રવિવારે બપોરના સમયે લિલિયા ફોરેસ્ટ રેન્જમાંથી વધુ એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.

વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટે જણાવ્યું કે, “છેલ્લા 2 મહિનામાં અમરેલી જિલ્લામાંથી છઠ્ઠા સિંહનો મૃતદેહ મળી આવ્યો છે.ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કહ્યું કે, “સિંહના મડદાંને જસધર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામા આવ્યું છે, મેડિકલ તપાસ બાદ જ સિંહના મૃત્યુનું કારણ જાણવા મળશે.

રાજ્ય સરકાર તરફથી વન્ય જીવના રક્ષણ માટે કરોડોનો ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં સિંહોને પૂરતું રક્ષણ નથી મળી રહ્યું. ઑફિશિયલ આંકડા મુજબ છેલ્લા 2 વર્ષમાં કુલ 184 સિંહ, સિંહણ અને બાળ સિંહોનાં મૃત્યુ થયાં, જેમાંથી 32 સિંહના મોત અકુદરતી રીતે થયાં હતાં, જેમાં 7 સિંહ, 17 સિંહણ અને 9 બાળ સિંહનો સમાવેશ થાય છે.

અમરેલીમાં આ પહેલો કે બીજો નહીં પણ આવો છઠ્ઠો કેસ સામે આવ્યો છે જ્યાં સિંહનું મડદું મળ્યું હોય. ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં પણ કોઇ 6 વર્ષીય સિંહના મડદાને રોડ કાંઠે ફેંકી ગયું હતું. ફોરેસ્ટ અધિકારીઓએ આશંકા જતાવી હતી કે કોઇએ કરંટી આપીને સિંહની હત્યા કર્યા બાદ મડદાને રોડ કાંઠે ફેંકી દીધો હતો. અન્ય એક કેસમાં માર્ચ મહિનામાં અમરેલીના ગોરાણા ગામમાંથી 2 વર્ષીય બાળ સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો, જો કે બાળ સિંહનું મૃત્યુ સર્પ દંસથી થઇ હોવાનું માનવામા આવે છે.

વન વિભાગ દ્વારા વર્ષ 2015માં સિંહની વસતી ગણતરી કરવામાં આવી હતી. જે પ્રમાણે કુલ સિંહની સંખ્યા 523 નોંધાઇ હતી. જેમાં 109 નર સિંહ, 201 સિંહણ અને 213 બાળ સિંહનો સમાવેશ થાય છે. જિલ્લા મુજબ વસતીની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં 268, ગિર સોમનાથ જિલ્લામાં 44, અમરેલીમાં 174 અને ભાવનગરમાં 37 સિંહ નોંધાયા હતા.

(7:00 pm IST)