Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

મને કમરનો દુઃખાવો છતાં અવશ્ય મતદાન કરીશઃ પોરબંદરના ૧૦૨ વર્ષના સુમરીબેનનો સંકલ્પ

-પોરબંદરના ૧૦૨ વર્ષના સુમરીબેનઃ મને કમરનો દુઃખાવો છતાં અવશ્ય મતદાન કરીશ

પોરબંદર, તા.૧: લોકસભા સામાન્ય ચૂંટણી ૨૩-એપ્રિલ-૨૦૧૯નાં રોજ યોજાશે. લોકશાહીના આ મહાપર્વમાં મતદાનની પવિત્ર ફરજ સૌ મતદારો સ્વેચ્છાએ બજાવે તે જરૂરી છે. ત્યારે ૧૧-પોરબંદર લોકસભા મત વિસ્તારનાં મતદારો પણ ઉત્સાહપૂર્વક દેશનાં લોકશાહીના આ તહેવારમાં જોડાયને મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણીતંત્રએ તમામ તૈયારીઓ કરી છે. પોરબંદર છાંયાનાં નવાપરા વિસ્તારનાં રામનાથ સોસાયટીમાં રહેતા ૧૦૨ વર્ષનાં કુછડીયા સુમરીબેન વસ્તાભાઇએ જિલ્લાનાં યુવાનો સહિત તમામ મતદારોને સંદેશ આપતા તથા સંકલ્પ સાથે જણાવ્યું કે, 'હું કુછડીયા સુમરીબેન મારી ઉંમર ૧૦૨ વર્ષની છે. મને કમરના દુઃખાવાની તકલીફ હોવા છતાં હું અવશ્ય મતદાન કરીશ. મારા પુત્ર દેવસીભાઇ જે નિવૃત આર્મીમેન અને હાલ કમલાબાગ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ છે તેમના સહારે મતદાન કરવા જઇશ. તો જે લોકો હાલી ચાલી શકે તેમણે અવશ્ય મતદાન કરવું જોઇએ.'

સુમરીબેન દર વખતે ચૂંટણીમાં  અવશ્ય મતદાન કરે છે. લોકશાહીને જીવંત રાખવા માટે સુમરીબેન ૧૦૨ વર્ષનાં માજી પણ જો મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ બજાવતા હોય તો શરીરથી સશકત લોકોએ પોતાની પવિત્ર ફરજ સમજીને અવશ્ય મતદાન કરવું જોઇએ તેમ સુમરીબેન જણાવેલ છે.

(11:52 am IST)