Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

જંગવડનાં કોળી યુવાને કુવામાં પડી જીંદગી ટુકાવીઃ એક મહિના પછી પત્‍નિનું સીમંત હતું

જુગારમાં પૈસા હારી જતાં વ્‍યાજનાં વિષચક્રમાં ફસાયોઃ ત્રણ મહિના પહેલા પિતાએ ચાર લાખ ચુકવી દીધા હતાં: લેણદારો દ્વારા અગાઉ માર પણ મારવામાં આવ્‍યો હતો

 આટકોટ તા.૧: જસદણનાં જંગવડ ગામનાં કોળી યુવાને વ્‍યાજનાં વિષચક્રમાં ફસાતા પોતાની જ વાડીમાં આવેલા કુવામાં પડી જીંદગી ટુકાવી લેતા પરીવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે. કરૂણતા તો એ છે કે મરનારના સવા વર્ષ પહેલાં જ લગ્ન થયા હતાં અને આગામી એક મહિના પછી પત્‍નિને સીમંત હોય કોળી સમાજમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે.

આ અંગે પ્રાપ્ત હકીકત મુજબ જસદણનાં જંગવડ ગામે રહી ખેતીના વ્‍યવસાય સાથે સંકળાયેલ ઉમેશ મનસુખભાઇ ધોડકીયા ઉ.વ.૨૧ બે દિવસ પહેલા પોતાની જ વાડીના કુવામા પડી જઇ જીંદગી ટુકાવી લીધી હતી.

આ અંગે જાણ થતા બાબુભાઇ નારણભાઇ ખીસડીયાએ આટકોટ પોલિસને જાણ કરતા પોલિસે ઘટના સ્‍થળે દોડી જઇ લાશ બહાર કાઢી યોગ્‍ય કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે હાલ આટકોટ પોલિસે આપઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મરણ જનાર ઉમેશ જુગાર રમવાની આદત ધરાવતો હતો અને જુગારમાં પૈસા હારી જતાં અમુક માથાભારે શખ્‍શો પાસેથી વ્‍યાજે પૈસા લીધા હતાં. તેમના તરફથી અને જુગારમા હારી ગયેલા શખ્‍શો દ્વારા કડક ઉઘરાણી કરવામાં આવતા પરિવાર-જનોને આ અંગે જાણ થતા ચાર લાખ જેટલી રકમ ઉમેશના પિતાએ લેણદારોને ત્રણ મહિના પહેલા ચુકવી દીધા હતાં.

ત્‍યારબાદ પણ હાલ ચર્ચાતી વિગતો મુજબ અમુક વ્‍યાજખોરો દ્વારા કડક ઉઘરાણી કરતા ઉમેશને લાગી આવતાં આ પગલું ભરી લીધું છે. જો કે પોલિસ હજુ આ બાબત સામે નથી આવી તેવું કહે છે.

ઉમેશને અગાઉ પણ લેણદારો દ્વારા માર પણ મારવામાં આવ્‍યો હતો.

ત્રણ ભાઇઓમાં સૌથી નાના ઉમેશના અકાળે અવસાનથી થોડા દિવસો બાદ ઉમેશની પત્‍નિનાં સીમંતનો પ્રસંગ ધામધૂમથી ઉજવવાને બદલે પરિવારજનોમાં ભારે શોક છવાઇ ગયો છે.

આ બનાવની વધુ તપાસ આટકોટ પો.સ્‍ટે.ના એ.એસ.આઇ. રઘુભાઇ ચલાવી રહ્યાં છે.

(11:22 am IST)