Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

જૂનાગઢના મગફળી પ્રકરણમાં પોલીસ ફરીયાદની સંભાવના : બાવન ગુણીમાં વજન ઓછુ નીકળ્યું

સરકારની આબરૂ પર જોખમ સર્જતા તત્વો સામે લાલ આંખ : ગુણવતા બાબતે તપાસનો ધમધમાટ : કલેકટરે કેમેરાના દૃશ્યો ચકાસવા ટુકડીઓ બનાવી

રાજકોટ, તા.,૧: રાજય સરકાર દ્વારા  ટેકાના ભાવે મગફળી ખરીદી રાજય વ્યાપી ચાલી રહી છે. જુનાગઢ માર્કેટ યાર્ડના કેન્દ્રમાં નબળી ગુણવતાવાળી અને ઓછા વજનની બેગવાળી મગફળી ધાબડી ગેરરીતી આચરવામાં આવતી હોવાનું બહાર આવતા સરકારના માર્ગદર્શન હેઠળ કલેકટરે તપાસ ટુકડીઓ કામે લગાડી છે. જેમાં કઇક ગરબડ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડતા ફોજદારી ફરીયાદ કરવા સુધીની વિચારણા કરવામાં આવી છે. વિગતવાર તપાસના અંતે પોલીસ ફરીયાદ અંગે નિર્ણય લેવામાં આવશે.

શંકાસ્પદ ૧પ૬ ગુણીઓ ખોલી તપાસણી કરવામાં આવતા ૧૦૨ ગુણીઓમાં પુરેપુરો ૩૦ કિલો વજન હોવાનું માલુમ પડેલ. જયારે બાવન જેટલી ગુણીઓમાં વજનમાં સરેરાશ ર થી ૩ કિલોનો ઘટાડો જોવા મળેલ. ઉપરાંત મગફળીની ગુણવતા અને સંભવીત ભેળસેળ અંગે તપાસ ચાલી રહી છે. જો ગેરરીતી થઇ હોય તો તેમાં કોની શું ભુમિકા છે ? તે જાણવા માટે યાર્ડના છેલ્લા કેટલાક દિવસોના સીસીટીવી કેમેરાના દ્રશ્યો ચકાસવામાં આવી રહયા છે. તપાસના અંતે સમગ્ર મામલો પોલીસને હવાલે કરવામાં આવેલ તેવી શકયતા નકારાતી નથી.દરમિયાન ગઇકાલે નાગરિક પુરવઠા નિગમના જનરલ મેનેજર શ્રી  સંજય મોદીએ  જુનાગઢ કલેકટરને પત્ર પાઠવી સમગ્ર પ્રકરણ અંગે વિગતવાર તપાસ કરવા તેમજ કોઇ પણ કર્મચારી, ગ્રેડીંગ એજન્સી, લેબર કોન્ટ્રાકટર કે અન્ય કોઇ પણ જવાબદાર જણાય તો કડક કાર્યવાહી કરવા, એફઆઇઆર નોંધકાવવા તેમજ નાણાકીય વસુલાત કરવા જણાવ્યું છે.

(4:04 pm IST)