Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

જૂનાગઢના મુખ્ય સ્વામીનારાયણ મંદિરની ચૂંટણીની મતદાર યાદીમાં ડમી નામ હોવાનો આક્ષેપ

વિવિધ મુદ્દે સંતોનું કોઠારી સ્વામીને આવેદન

જૂનાગઢ તા.૧: જૂનાગઢમાં જવાહર રોડ પર આવેલ મુખ્ય સ્વામીનારાયણ મંદિરના રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી ૧૯ એપ્રિલે યોજાનાર છે. જેની મતદાર યાદીમાં નામો ડમી હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી છે.

સ્વામીનારાયણ મંદિરના દેવ પક્ષના અગ્રણી સંતો કોઠારી દેવનંદન દાસજી, ગોવિંદ પ્રસાદ દાસજી હરિવલ્લભદાસજી, પી.પી.સ્વામી, શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજી અને શાસ્ત્રી ભકિત પ્રસાદ દાસજી સહિતના સંતોએ કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામીને આવેદન પત્ર આપ્યુ હતું.જેમાં હરિભકતોના વિભાગમાં ૩૫ હજારથી વધુ ડમી નામ હોવાની સાથે પાર્ષદ વિભાગમાં પણ ૧૪૦ થી વધુ બોગસ નામો ચડાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો.ડમી નામો અંગે અંગે તપાસ કરવા અને મતદાર ત્યાગી-પાર્ષદો માટે ઉમર સરનામુ અને ગુરૂનું નામ ખાસ લખવા પણ માંગણી કરાઇ હતી. આવેદનપત્રમાં સંતોએ મંદિરના વાહનોનો ગેર ઉપયોગ, ટેન્ડર વગર આરસનું કામ અને ગૌશાળાની જગ્યામાં હરિભકતો માટે બનાવામાં આવેલા નવા ઉતારાના બાંધકામમાં કથિત ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.મંદિરના કોઠારી પ્રેમ સ્વરૂપદાસજીએ સંતોનું આવેદનપત્ર ચૂંટણી અધિકારી ડે.કલેકટરને સુપ્રત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

(3:26 pm IST)