Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

જૂનાગઢ સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા વર્ષાન્તદિનની ઉજવણીઃ જરૂરીયાતમંદોને રાશનની કિટ અર્પણ

જૂનાગઢ, તા. ૧ :. સેવાકીય તથા રચનાત્મક કાર્યોને વરેલ સ્ત્રી નિકેતન સંસ્થાએ જરૂરીયાતમંદ પરિવારો સાથે નવા વર્ષના આગમનને વધાવતો કાર્યક્રમ તા. ૩૧ ડીસે.ના રોજ સાયંકાળે યોજ્યો હતો.

ચેરપર્સન શ્રી પદ્માબેન શાસ્ત્રીના આશિર્વાદ સાથે વાઈસ ચેરપર્સન શ્રી મીનાબેન ચગ તથા સલાહકાર શ્રી તરૂબેન ગઢિયાના માર્ગદર્શન હેઠળ વર્ષના અંતિમ દિવસે તા. ૩૧ના રોજ વર્ષનો અંતિમ કાર્યક્રમ આર્ય સમાજ હોલ ખાતે યોજાયો હતો. જેમાં સભ્ય બહેનોના સાથ સહકારથી જમા થયેલ બચત ભંડોળમાંથી મધ્યમ વર્ગીય જરૂરીયાતમંદ પરિવારોને અનાજ-કરીયાણાની કીટનું વિતરણ કરવામાં આવેલ હતું.

કાર્યક્રમની વિશેષતા એ હતી કે આમા કોઈ મહેમાનોની ઉપસ્થિતિ ન હતી કે ના કોઈ ભાષણબાજી, ફકત સભ્ય બહેનોના સાથસહકારથી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૨૦ પરિવારોને રેશનકીટ આપવામાં આવી હતી. આ તકે સંસ્થાના હોદેદારો, વાઈસ ચેરપર્સન શ્રી મીનાબેન ચગ, કાર્યકારી પ્રમુખ રોહિણીબેન આચાર્ય, હોદેદારો ક્રિષ્નાબેન અઢીયા, પ્રવિણાબેન વાઘેલા, રશ્મીબેન વિઠ્ઠલાણી, જાગૃતિબેન, નમ્રતાબેન વગેરે તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થા દ્વારા આાગામી તા. ૯ જાન્યુઆરીના રોજ નવા વર્ષના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમા મકરસંક્રાંતને અનુલક્ષીને કિવઝ રમાડવામાં આવશે તથા સાથે હાઉસી અને વાર્ષિક લક્કી ડ્રો યોજવામાં આવશે તેમ સંસ્થાના પ્રમુખ ચેતનાબેન પંડયા તથા મંત્રી શ્રી અનિલાબેન મોદીની યાદીમાં જણાવાયુ છે

(3:41 pm IST)