Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

સાવરકુંડલાના જેજાદમાં વિજ અધિકારીના ત્રાસથી ખેડૂતનું મોત

૭૦ વર્ષના બાબુભાઇ મોહનભાઇ જયાણીને હૃદયરોગનો હૂમલો આવતાં ખેડૂતોનો હોબાળોઃ મૃતદેહ સ્વીકારવા ઇન્કાર

સાવરકુંડલા તા. ૧ :.. સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામના વયોવૃધ્ધ ખેડૂત બાબુભાઇ મોહનભાઇ જયાણી (ઉ.૭૦) નું ગઇકાલે બપોરના ચારેક કલાકે તેઓ વાડીએ હતા ત્યારે એકાએક હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે.

પરિવારજનોનાં કહેવા મુજબ વૃધ્ધ અને અભણ એવા બાબુભાઇ જયાણીને સાવરકુંડલા ગ્રામ્ય વિજ કચેરી દ્વારા તેમની વાડીમાં ભારે દબાણવાળી વિજ લાઇન પરાણે પસાર કરાવવા છેલ્લા કેટલાક સમયથી માનસીક દબાણ કરાઇ રહ્યું હતું. અધુરામાં પુરૂ કરતા હોય તેમ જીઇબી તંત્ર દ્વારા કલેકટર કચેરીમાંથી પણ કાયદાકીય દબાણ લાવતા હતપ્રત થઇ ગયેલા ખેડૂતનું એકાએક હાડ બેસી જતા વાડીએ જ તેનું કરૂણ મૃત્યુ થયું છે.

બનાવની જાણ થતા ગામ લોકો ભેગા થઇ ગયા હતાં. અને ખેડૂતને તાત્કાલીક નજીકના વંડા ગામે હોસ્પીટલે લઇ ગયા હતા ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કરતા નાના એવા ગામમાં જીઇબી તંત્ર સામે રોષ વ્યાપી ગયો હતો. આ બનાવની જાણ થતા સાવરકુંડલા થી આગેવાનો વિનુભાઇ જયાણી, રમેશભાઇ જયાણી, ધારાસભ્યનાં અંગત સચિવ હિતેષ જયાણી, વંડા દવાખાને દોડી ગયા હતાં.

જો કે ગઇકાલે સાંજે મૃત્યુ પામેલ ખેડૂતના મૃત્યુ માટે જીઇબીના રૂરલના કર્મચારીઓ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરવા ગ્રામજનોએ નિર્ણય કરી જયાં સુધી ફરીયાદ ન દાખલ થાય ત્યાં સુધી મૃતકની લાશ નહી સ્વીકારવાનો નિર્ણય કરતા લાશ આજે બપોર સુધી વંડા દવાખાને રાખવામાં આવી છે. દરમિયાન હિતેષ જયાણી આ ધારાસભ્ય પ્રતાપ દૂધાતને જાણ કરતા ધારાસભ્યએ આ પ્રશ્ને કલેકટર સાથે ચર્ચા કરતા કલેકટર વતી તેના પ્રતિનિધી જેજાદ ગામ જવા રવાના થયા છે. જે ખેડૂતોની વેદના સાંભળી કલેકટરશ્રી સમક્ષ આ પ્રશ્ન રજૂ કરશે. હાલ તુરત તો લાશ વંડા હોસ્પીટલે જ રાખવામાં આવી છે.હોસ્પીટલ અને પોલીસ સ્ટેશને ગ્રામ્ય વિસ્તારોમાંથી ગ્રામજનો એકઠા થયા છે. જયારે રૂરલ એન્જી. ચૌધરીએ આ બાબતે જણાવ્યુ કે અમે ગઇકાલે અગીયાર વાગ્યે મૃતક ખેડૂતની વાડીએ ગયેલા પરંતુ તેમણે વિજપોલ ઉભા કરવાની ના પાડતા અમો પાછા ફરી ગયા હતા અને બનાવ બપોર બાદ બન્યો છે. જેથી અમે આમાં જવાબદાર નથી.

(3:37 pm IST)