Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

કોટડા સાંગાણી તાલુકાના પાંચતલાવડા ગામના ખુન કેસમાં પકડાયેલ આરોપીને આજીવન કેદ ફટકારતી ગોંડલ કોર્ટ

રાજકોટ તા.૧: કોટડા સાંગાણી તાલુકાનાં પાંચતલાવડા ગામનાં યુવક ઉમેશ ડાયાભાઇ મેતલીયાના ખુન કેસમાં આરોપી ભુપત ભીખાભાઇ કડવાણીને આજીવન કેદની સજા ગોંડલની સેશન્સ અદાલતે ફરમાવેલ  છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના પાંચતલાવડા ગામમાં ગુજરનાર ઉમેશભાઇ ડાયાભાઇ મેતલીયાની દીકરીને તે જ ગામમાં રહેતો સંજયભાઇ નાગજીભાઇ મકવાણા મોબાઇલ ઉપર વાતચીત કરતો હોય અને છેડતી કરતો હોય જે બાબતે ગુજરનાર ઉમેશભાઇ તથા તેના ભાઇ રમેશભાઇ સંજયને તથા તેના માતા-પિતાને સમજાવવા ગયેલ. પરંતુ તે બાબતો ખાર રાખી સંજય તથા તેના માતા પિતા તેમજ આ કામમાં સજા પામનાર અને સદર ગુનાહીત કૃત્યમાં મુખ્ય ભાગ ભજવનાર ભુપતભાઇ ભીખાભાઇ કડવાણી તથા અન્ય બીજા નવ વ્યકિતઓએ ગઇ તા. ૨૮-૯-૧૪ના રોજ રાત્રે પાંચતલાવડા ગામમાં ઉમેશ ભીખાભાઇ સાથે તથા તેના ભાઇ સાથે ઝગડો કરેલ અને નેફામાંથી ભુપતભાઇ ભીખાભાઇ કડવાણીએ છરી કાઢી ઉમેશભાઇ ભીખાભાઇને છરીનો ઘા મારેલ જેની ફરિયાદ ઉમેશભાઇના ભાઇ રમેશભાઇ ભીખાભાઇ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં કરેલ હતી.

સદર ગંભીર બનાવનો ગુન્હો દાખલ થયા બાદ આરોપી ભુપતભાઇ ભીખાભાઇ કડવાણીના તથા સદર ગુન્હામાં તેમની સાથે અન્ય ૯ જણાની કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને ત્યારબાદ આ કામના આરોપીઓ સામે ભારતીય દંડ સહિંતાની કલમ ૩૦૨ મુજબના ગંભીર ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવેલ.

ઉપરોકત કેસ સેશન્સ અદાલત ગોંડલ ખાતે કમીટ થતા સરકારી વકીલશ્રી ઘનશ્યામભાઇ ડોબરીયા દ્વારા સરકારશ્રી તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને ત્યારબાદ સરકારશ્રી તરફે કુલ ૨૬ સાહેદો તપાસવામાં આવેલ અને સેશન્સ અદાલતે મુખ્યત્વે નજરે જોનાર ફરિયાદીની જુબાની તથા ડોકટરોની જુબાની તથા અન્ય સાહેદોની જુબાનીને કોર્ટે પુરાવામાં ગ્રાહ્ય રાખી તેમજ સરકારી વકીલશ્રી ઘનશ્યામભાઇ કે. ડોબરીયાની દલીલો ધ્યાને લઇ આરોપી ભુપતભાઇ ભીખાભાઇ કડવાણીને ભારતીય દંડ સંહિતાની કલમ-૩૦૨ મુજબના ગંભીર ગુન્હામાં તકસીરવાન ઠરાવી સેશન્સ જજ શ્રી. એમ.પી. પુરોહિતે આજીવન કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલ છ.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ શ્રી ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલા હતા. (૧.૭)

(12:07 pm IST)