Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

સારા કર્મો થકી ઉન્નત સમાજનું નિર્માણ થાય છે : રાજ્યમંત્રી આહિર

ભચાઉમાં વિકલાંગ સેવાશ્રમ દ્વારા વાર્ષિકોત્સવ - વિકાસકામોનું લોકાર્પણ

ભુજ તા. ૧ : પીડ પરાઇ જાણનારાઓના સારાં કર્મો થકી ઉન્નત સમાજનું નિર્માણ થાય છે, આ માટે દાતાઓને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછા છે, તેમ ભચાઉ ખાતે નવજીવન વિકલાંગ સેવાશ્રય આયોજિત વાર્ષિક ઉત્સવ, ભૂમિપૂજન અને વિકાસકામોના લોકાર્પણના ત્રિવેણીસંગમ રૂપી કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોનાકલ્યાણ રાજયમંત્રી  વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે કાર્યક્રમનો દીપ પ્રગટાવી ખુલ્લો મૂકાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પુના સ્થિત દાતા ખીમજીભાઈ ખેરાજભાઈ ગાલા રહ્યા હતા.

વાસણભાઈ આહિરે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વભરમાં વસતો કચ્છી પોતાના કામકાજ, રોજી-રોટી કે પોતાના ધંધાર્થે દુનિયાના કોઇપણ ખૂણે વસતો હોય પરંતુ કચ્છ વતનને કયારે ભૂલતો નથી તેમાંયે જયારે વતનમાં વિકલાંગોની સેવાનું રૂડું કાર્ય થતું હોય ત્યારે ઉત્સાહભેર સેવાકાર્ય કરવા દોડી આવતા વતનના હામી વડીલો, દાતાઓ, શ્રેષ્ઠીઓને તેમણે વધાવી લેતા અહોભાવ પ્રગટ કરી ગૌરવભેર વંદન કરી રાજય સરકાર વતી અભિનંદન આપ્યાં હતા.

પદ, પ્રતિષ્ઠા અને પૈસો એ કોઇ દિવસ કાયમ નથી હોતો તેમ જણાવી સમાજના વિકલાંગ દીકરા-દીકરીનાં સર્વાંગી વિકાસ માટે તેઓને ભણાવી-ગણાવી પગભર બનાવી તેમના આંસુ લૂછવા સમાન શ્રેષ્ઠ કોઇ કાર્ય નથી તેમ જણાવી તેમણે સમાજના દાતાઓ, શ્રેષ્ઠીઓ, સંસ્થાના સેવાશ્રયીઓની પીઠ થાબડી હતી.

કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ પણ વિકલાંગ દીકરા-દીકરીઓના સગવડના કાર્યો માટે રૂ. ૧૧ લાખના અનુદાન બદલ પણ રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે કચ્છ અને સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ રાજય સરકાર વતી અભિનંદન સાથે આભાર પ્રગટ કર્યો હતો.

આ પ્રસંગે સેવા કાર્યોની પ્રેરણાદાયી પુસ્તિકાનું રાજયમંત્રી તેમજ સંસ્થાના મંચસ્થ અગ્રણીના હસ્તે વિમોચન કરાયું હતું તેમજ હળવદ સંસ્થા પ્રમુખનો પદભર ગ્રહણ કરનારશ્રી ખીમજી ખેરાજ ગાલાનું આ પ્રસંગે અભિવાદન કરાયું હતું.

આ પ્રસંગે રાજયમંત્રીના હસ્તે  ચુનીલાલ ગગલદાસ શાહ શેરીસાવાળા કુમાર છાત્રાલય-ભચાઉનું રીબીન કાપી ખુલ્લુ મૂકાયું હતું. ઉપરાંત કેસરબેન ચાંપસી કારીઆ તેમજ શ્રી જયાબેન પ્રેમજી જેસંગભાઈ વગેરે દાતાઓ નિર્મિત પ્રવેશદ્વારોનું રાજયમંત્રી સહિત શ્રેષ્ઠીઓ દ્વારા ખુલ્લાં મૂકાયાં હતા તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા દ્વારા ફાળવાયેલ ગ્રાંટમાંથી નિર્માણ થનાર શાળાના ઓરડાઓના ભૂમિ પૂજનવિધિ રાજયમંત્રી વાસણભાઈના હસ્તે સંપન્ન કરાઇ હતી. સંસ્થાનો પરિચય મંત્રી જીતેન્દ્ર જોષીએ આપ્યો હતો.

 સંસ્થાના પ્રમુખ ખીમજીભાઈ ખેરાજ-પુના, ઉપપ્રમુખ મનસુખભાઈ જૈન, મુખ્ય દાતા પ્રેમજીભાઈ રવજીભાઇ ગડા, પ્રેમજી પુંજા નીસર, જયાબેન પ્રેમજીભાઈ છેડા, રતનશીભાઈ નીસર, વિપુલભાઈ કારીયા, વાઘજીભાઈ આહિર, ગૌરીશંકર જોષી, સંસ્થાના મંત્રી જીતુભાઇ જોષી, વનરાજસિંહભાઈ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન મયુરભાઈ બોરીચા અને અમૃતભાઇ નીસરે સંભાળ્યું હતું. આભારદર્શન વિપુલ કારીયાએ કર્યું હતું.(૨૧.૫)

(12:02 pm IST)