Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ચમત્કારને નમસ્કારઃ રવિવારે બીપીએલ કાર્ડ ઇશ્યુ કરતુ ભાણવડ નગરપાલિકાઃ આજે ઓનલાઇન રજીસ્ટ્રેશન થશે

છ માસના ધક્કા બાદ પણ ન થયુ તે ધરણાએ ૨૪ કલાકમાં કરી બતાવ્યું

અરજદારના બીપીએલ કાર્ડ મામલે પાલિકાના અંધેર વહિવટ સામે ધરણા પર ઉતરેલા કોર્પોરેટરે માંગણી પૂર્ણ થતા ધરણા કર્યા હતા  (તસ્વીર રવિ પરમાર ભાણવડ)

ભાણવડ તા.૧: શારિરીક માનસિક વિકલાંગ કૌશિક રસીકભાઇ પરમારે છ માસ પહેલા બીપીએલ કાર્ડ માટે નગરપાલિકામાં અરજી કરી હતી જે અંગે ઓછામાં ઓછા વીસેક ધક્કા ખાવા છતા પાલિકાતંત્ર તરફથી કોઇ દાદ આપવામાં આવતી ન હતી તો બીજેપી કોર્પોરેટર ચેતન રાઠોડે પણ આ અંગે પાલિકામાં દસેક વખત ચક્કર લગાવ્યા બાદ પણ કોઇ જવાબ ન મળતા ગત શનિવારના રોજ અરજદાર કૌશિક પરમારને સાથે રાખીને પાલિકામાં જ ધરણા શરૂ કર્યા હતા અને કુંભકર્ણ જેવું પાલિકાતંત્ર સફાળું જાગ્યું હતુ. ધરણા કરતા રોકવા માટે કોર્પોરેટરને આગેવાનો-હોદેદારોએ પ્રયાસો કર્યા હતા તો મામલતદારે પણ પ્રયત્ન કરી જોયા હતા પરંતુ એક જરૂરીયાતમંદ અરજદાર સાથેના પાલિકાના સંવેદનહિ ન વર્તનથી રોષે ભરાયેલા કોર્પોરેટરે કોઇની વાત ન માની જયાં સુધી અરજદારનું બીપીએલ કાર્ડ ઇશ્યુ નહિ થાય ત્યાં સુધી ધરણા ચાલુ જ રાખવાનું અને જરૂર પડ્યે આના થી પણ વધુ ઉગ્ર કદમ ઉઠાવવાની પણ ચીમકી ઉચ્ચારતા પાલિકાતંત્ર અધિકારીઓ,સતાધિશો તેમજ સંલગ્ન કલેકટર કચેરી, પ્રાદેશિક કમિશ્નર કચેરી સુધી રેલો આવ્યો હતો અને રવિવારના રજાના દિવસે સતત એકબીજાના સંપર્કમાં રહી આ બીપીએલ કાર્ડ ઇશ્યુ કરવાની કાર્યવાહી ચલાવી હતી અને રવિવારે મોડી રાત્રે અરજદાર કૌશિક પરમારનું બીપીએલ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. જો કે, ઓન લાઇન રજીસ્ટરની પ્રક્રિયા માટે મંગળવાર સુધી રાહ જોવી ફરજીયાત હોઇ બાંધછોડ કરી હતી.

આ સાથે પાલિકામાં આવી જ પેન્ડીંગ પડેલી અરજીઓનો પણ દોઢ માસના ગાળામાં નિકાલ કરવાની બાંહેધરી લેવામાં આવેલ છે અને જો નિર્ધારીત સમયમાં નિકાલ નહિ થાય તો વધુ એક વખત ધરણા કરવામાં આવશે એવુ કોર્પોરેટર ચેતન રાઠોડે જણાવ્યું હતું. અંતે બીપીએલ કાર્ડ મળતા કોર્પોરેટર તેમજ અરજદાર કૌશિક પરમાર અને તેમના વાલીઓને પારણા કરાવવામાં આવ્યા હતા.(૭.૬

(12:00 pm IST)