Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

નવી એપ બાદ એસટીની ઓનલાઇન બૂકીંગમાં ૧૬પ ટકાનો વધારો...

રાજકોટમાં અન્ય મોસમમાં ઓનલાઇન બુકીંગ ૩પ થી ૪પ ટકા રહે છેઃ હાલ ડેઇલી આવક ૩૮ લાખ હોવાનો નિર્દેશ... : રાજકોટ ડિવીઝનમાં ઠંડીને કારણે રપ થી ૩૦ ટકા બૂકીંગઃ ડીસેમ્બર-ર૦૧૯ માં નવી એપ બાદ ૧ાા લાખ ટીકીટો ઓનલાઇન બૂક થઇ

રાજકોટ તા. ૩૧ :.. એસ.ટી.માં મુસાફરી કરનાર મુસાફરોમાં ઓન લાઇન બુકીંગને લઇને સૌથી વધુ ધસારો રહ્યો છે.

એસ. ટી. બોર્ડની નવી એપ્લીકેશનને કારણે ઓનલાઇન સીટ બુકીંગમાં ૧૬૭ ટકાનો વધારો નોંધાયો છે, એકસપ્રેસ - વોલ્વો બસનું નિયમીત આવા-ગમન રહે તે માટે બોર્ડે ખાસ એપ્લીકેશન બનાવી ગયા નવેમ્બરમાં ઓનલાઇન બુકીંગ માટે એપ લોંચ કરાઇ હતી, જેમાં માત્ર ૪પ દિવસમાં ૧ાા લાખ યુઝર્સે આ એપ ડાઉન લોડ કરી હતી, જેના પરથી સમજી શકાય છે કે, ડીસેમ્બરમાં ર૦૧૮ ની સરખામણીએ ૧૬૭ ટકાનો ઓનલાઇન બુકીંગમાં વધારો થયો છે.ડીસેમ્બર-ર૦૧૮ માં પ૭પ૩૪ સીટ ઓનલાઇન બુકીંગ થઇ હતી, જયારે નવી એપ્લીકેશન લોંચ થયા બાદ ડીસેમ્બર-ર૦૧૯ માં ૧ લાખ પ૪ હજાર ટીકીટો ઓનલાઇન બુક થઇ છે, ડીસેમ્બર ર૦૧૯ માં સવા કરોડની તો ડીસેમ્બર-ર૦૧૯ માં ૩ાા કરોડની ટીકીટો બૂક થઇ હતી.

નવી એપ્લીકેશનમાં રાજકોટ સહિત રાજયની ૪૯૦૦ એકસપ્રેસ બસનો ખરેખર ઉપડવા - આવવા - જવાનો ટાઇમની સુવિધા અપાઇ છે, અને ૪ર હજાર નોન-એકસપ્રેસ બસની રાજય વ્યાપી ટ્રેકીંગની સુવિધા પણ આવરી લેવાઇ છે.

આ નવી એપ્લીકેશનમાં એસટી બસ ભાડા ઉપર લેવી, ટીકીટ બુક જે તારીખની થઇ હોય તેમાં ફેરફાર કરવો, વિગેરે સુવિધા ઉપરાંત હવે થોડા સમયમાં ઓનલાઇન બસ પાસની પણ સુવિધા ઉપલબ્ધ થશે.

હાલ એસટી દ્વારા ૨૦૧૯માં એકસપ્રેસ અને વોલ્વો બસ રાજયના ૫૯ હાઇવે અને ૯૦ શહેરો સાથે જોડી દેવાઇ છે, જેમાં ૧૩ આદીવાસી વિસ્તારો,૨૯ આંતરરાજય શહેરો, ૧૩ ધાર્મીક સ્થળોનો સમાવેશ થાય છે, ૨૦૧૯માં ૨૩ લાખથી વધુ મુસાફરોએ પ્રિમીયમ બસ સેવાનો લાભ લીધો છે.

દરમિયાન રાજકોટ એસટી ડીવીઝનમાં ઓનલાઇન બુકીંગ અંગે પુછતા ડીવીઝનલ નિયામકશ્રી યોગેશ પટેલે ''અકિલા'' ને જણાવ્યું હતું કે હાલ ઠંડીને કારણે ૨૫ થી ૩૦ ટકા બુકીંગ થાય છે, પરંતુ ઠંડી સિવાયની મોસમમાં ઓનલાઇનોમાં ભારે ઘસારો રહે છે, આજે ૩૫ થી ૪૫ ટકા બુકીંગ થાય છે.હાલ ડેઇલી આવક ઠંડીને કારણે થોડી ઘટી છે, ડેઇલી ૩૮ લાખ આસપાસ આવક થતી હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

(3:54 pm IST)