Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

વર્ષના 'છેલ્લા દિવસે' પોલીસમેન આશિષ દવેનું 'જિંદગીને ગૂડબાય'

રાજકોટ થોરાળા ડી. સ્ટાફમાં પ્રશંસનીય કામગીરી હતીઃ સાથી કર્મચારીઓ, બહોળા મિત્રવર્તુળમાં શોકઃ રેલનગર નાથદ્વારા સોસાયટીમાં 'ગાર્ડ ઓફ ઓનર' અપાયું : હોકીના અચ્છા ખેલાડી એવા ૨૫ વર્ષિય આશિષભાઇએ સાથે જ હોકી રમતાં અંજલી સાથે છએક વર્ષ પહેલા લવમેરેજ કર્યા'તાઃ પાંચ વર્ષથી પોલીસમાં હતાં: રાત્રે ખુરશીનો અવાજ આવતાં પત્નિ અંજલી દવે જાગી ગયા, બાજુના રૂમમાં પતિને લટકતાં જોતાં હતપ્રભઃ બૂમાબૂમ સાંભળી પડોશીઓ દોડી આવ્યાઃ ૧૦૮ બોલાવાઇ પણ ત્યારે મોડુ થઇ ગયું'તું: સ્વજનોમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૮: રેસકોર્ષ પાર્ક પાસે મારૂતિનગર પોલીસ હેડકવાર્ટર બ્લોક નં. ૪ રૂમ નં. ૫૨માં રહેતાં અને શહેરના થોરાળા પોલીસ મથકમાં ડી. સ્ટાફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં આશિષભાઇ દિપકભાઇ દવે (ઉ.વ.૨૫) નામના તરવરીયા યુવાને વીતી રહેલા વર્ષના છેલ્લા દિવસે પોતાના ઘરમાં પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ  જિંદગીને ગૂડબાય કરી દેતાં સ્વજનો, સાથી કર્મચારીઓ અને બહોળા મિત્રવર્તુળમાં કલ્પાંત સર્જાયો છે. રાત્રીના સવા વાગ્યા આસપાસ આશિષભાઇએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતાં. આપઘાતનું કોઇ ચોક્કસ કારણ બહાર આવ્યું ન હોઇ પોલીસ તપાસ યથાવત રાખવામાં આવી છે. આત્મહત્યા કરી લેનારા આ પોલીસમેન હોકીના પણ ખુબ સારા ખેલાડી હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ મારૂતિનગર પોલીસ હેડકવાર્ટરમાં રહેતાં પોલીસ કર્મચારી આશિષભાઇ દિપકભાઇ દવેએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી ચિરાગભાઇએ જાણ કરતાં પોલીસ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ નિરંજનભાઇ આર. જાની અને સ્ટાફે પ્ર.નગર પોલીસ મથકમાં અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી હતી. બનાવની જાણ થતાં એએસઆઇ એસ.આર. જોગરાણા તથા રાઇટર મદદનીશ બાબુલાલ ખરાડી મારૂતિનગર પોલીસ હેડકવાર્ટરમાં આશિષભાઇના રહેણાંક બ્લોક-૪, રૂમ નં. ૫૨ ખાતે પહોંચ્યા હતાં અને પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

આત્મહત્યા કરનાર આશિષભાઇ બે ભાઇમાં નાના હતાં. તેમના લગ્ન છએક વર્ષ પહેલા અંજલીબેન સાથે થયા હતાં. આશિષભાઇ પાંચ વર્ષ પહેલા પોલીસમાં ભરતી થયા હતાં. એ પહેલા જ તેમના લગ્ન થયા હતાં. તે સારા હોકીના ખેલાડી હતાં અને તેમના પત્નિ પણ સાથે હોકી રમતાં હોઇ બંનેના મન મળી જતાં લવમેરેજ કર્યા હતાં. તેમના મોટા ભાઇ હિરેનભાઇ દિપકભાઇ દવે કન્સ્ટ્રકશનનું કામ કરે છે અને તેઓ પત્નિ વિધીબેન તથા માતા આરતીબેન સાથે રેલનગર નાથદ્વારા સોસાયટીમાં રહે છે. ત્યાં બાજુની સોસાયટીમાં આશિષભાઇના કાકા રમેશભાઇ દવે અને દાદી કાંતાબેન દવે રહે છે. આશિષભાઇ પણ રેલગનરમાં ભાઇ-માતા સાથે રહેતાં હતાં. થોડા દિવસો પહેલા જ તે મારૂતિનગરમાં રહેવા આવ્યાનું સાથી કર્મચારીઓમાં ચર્ચાતુ હતું. આશિષભાઇના લગ્નને છ-સાત વર્ષ થયા હતાં. તેમના પત્નિને બે વખત મિસ ડિલીવરી થઇ હતી. સંતાન સુખ પ્રાપ્ત થયું નહોતું. ગઇકાલે જ તેણે નોકરીમાંથી બે દિવસની રજા લીધી હતી. સાથી કર્મચારીને પોતાના પત્નિને મજા ન હોવાથી રજા લીધાનું કારણ જણાવ્યું હતું. 

સાંજે હસતા-હસાવતાં સોૈની સાથે વાતો કરી હતી અને મોડી રાતે તેણે આ પગલુ ભરી લીધું હતું. રાતે સવા વાગ્યા આસપાસ ખુરશીનો અવાજ થતાં પત્નિ અંજલીબેન ઝબકીને જાગી ગયા હતાં. બેડ પર પતિને ન જોતાં ઉભા થઇ બીજા રૂમમાં જોવા જતાં પતિએ ગળાફાંસો ખાઇ લીધાનું જણાતાં જ તેમણે કલ્પાંત કરી મુકયો હતો. આક્રંદ સાંભળી પડોશી પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો જાગીને દોડી આવ્યા હતાં. ૧૦૮ બોલાવાઇ હતી. પરંતુ તેના તબિબે આશિષભાઇને નિષ્પ્રાણ જાહેર કરતાં જ ગમગીની છવાઇ ગઇ હતી.

મૃતદેહને અંતિમવિધી માટે રેલનગર નાથદ્વારા પાર્કમાં લઇ જવાયો હતો. આશિષભાઇની નોકરી ચાલુ હોઇ તેમને પોલીસ તંત્ર તરફથી ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. પોલીસ અધિકારીઓ, સાથી કર્મચારીઓ અને બહોળુ મિત્રવર્તુળ ધરાવતાં હોઇ મોટી સંખ્યામાં લોકો અંતિમવિધીમાં જોડાયા હતાં. આપઘાતનું સ્પષ્ટ કારણ બહાર આવ્યું ન હોઇ તપાસ યથાવત રખાઇ છે.

ચોટ લગી હૈ ઉસે ફિર કયું મહેસુસ મુઝે હો રહા...દિલ તું બતાદે કયા હૈ ઇરાદા તેરા?

આશિષ દવેએ ગઇકાલે મુકેલા સ્ટેટસમાં ઓન્લી ફોર યુ માય એન્જલ, મારી હસતી રમતી પરી...જેવા લખાણ

જિંદગી સામે જંગ હારી મોત મેળવી લેનારા કોન્સ્ટેબલ આશિષભાઇ દવેનો પોલીસ ડ્રેસમાં અને તે હોકીના સારા ખેલાડી હોઇ મેદાનમાં તેણે ખેંચાવેલી તસ્વીરો જોઇ શકાય છે, જે હવે સંભારણુ બની ગઇ છે

પત્નિને બે વખત મિસડિલીવરી થઇ હતીઃ આ કારણે ચિંતામાં રહેતાં હતાં: પત્નિને મજા ન હોવાને કારણે ગઇકાલે જ બે દિવસની સીકલીવ લીધી હતી

. જાણવા મળ્યા મુજબ આશિષભાઇ દવેના છએક વર્ષ પહેલા લગ્ન થયા હતાં. તેમના ધર્મપત્નિને બે વખત મિસડિલીવરી થઇ ગયાનું સ્વજનોએ કહ્યું હતું. કદાચ  આ કારણોસર આશિષભાઇ ચિંતામાં હોવા જોઇએ તેવું સાથી કર્મચારીઓનું કહેવું છે. આશિષભાઇને આપઘાત કરવો પડે તેવું બીજુ કોઇ કારણ હાલ તો સામે આવ્યું નથી. ગઇકાલે જ તેમના સાથી કર્મચારીએ સાંજે તે નોકરી પર ન આવતાં ફોન કરીને પૃછા કરતાં આશિષભાઇએ કહ્યું હતું કે તેમના પત્નિને મજા નથી એ કારણે બે દિવસની સીકલીવ લીધી છે. આ પછી રાતે તેમણે કોઇપણ કારણોસર આ પગલુ ભરી લીધું હતું.  અંતિમવિધી બાદ પોલીસ મૃતક આશિષભાઇના સ્વજનોના નિવેદન નોંધી કોઇ કારણ હશે તો તે જાણવા પ્રયાસ કરશે. આશિષભાઇએ કોઇ ચીઠ્ઠી લખી નથી. તેમ પ્રાથમિક તપાસ માટે પહોંચેલા એએસઆઇ એસ.આર. જોગરાણા અને બાબુલાલ ખરાડીએ કહ્યું હતું.

થોડા દિવસ પહેલા જ મારૂતિનગર હેડકવાર્ટરમાં રહેવા આવ્યા'તા

તેમના મોટા ભાઇ, માતા, કાકા રેલનગરમાં રહે છેઃ આશિષભાઇના  પિતા દિપકભાઇ દવે એસઆરપીમાં ફરજ બજાવતાં હતાં

. ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેનારા પોલીસ કોન્સ્ટેબલ આશિષભાઇ દવે અને તેમના પત્નિ અંજલીબેન દવે થોડા દિવસો પહેલા જ રેસકોર્ષ પાર્ક પાસેના મારૂતિનગર હેડકવાર્ટરમાં રહેવા આવ્યા હતાં. અગાઉ તેઓ રેલનગર નાથદ્વારા સોસાયટીમાં રહેતાં હતાં. તેઓ બે ભાઇમાં નાના હતાં. મોટા ભાઇ હિરેનભાઇ દવે કન્સ્ટ્રકશનનું કામ કરે છે. હિરેનભાઇ તેમના પત્નિ વિધીબેન અને માતા આરતીબેન રેલનગરમાં નાથદ્વારા-૩માં રહે છે, જ્યારે કાકા રમેશભાઇ ખીમશંકર દવે અને દાદી કાંતાબેન ખીમશંકર દવે નાથદ્વારા-૫માં રહે છે. આશિષભાઇના પિતાશ્રી દિપકભાઇ દવે એસઆરપીમાં ફરજ બજાવતાં હતાં. તેઓ હાલ હયાત નથી. આશાસ્પદ, યુવાન દિકરાના આ પગલાથી પરિવારજનો ઉંડા આઘાતમાં ગરકાવ થઇ ગયા છે.

આ માની શકાય એવું જ નથી...હજુ સાંજે તો મેં આશિષભાઇ સાથે વાત કરી'તીઃ સાથી કર્મચારી આઘાતમાં

. આશિષભાઇ દવે થોરાળા ડી. સ્ટાફમાં ફરજ બજાવતાં હતાં અને પોતાના હસમુખા, મળતાવડા તથા સરળ સ્વભાવને કારણે સાથી કર્મચારીઓમાં ખુબ ચાહના ધરાવતાં હતાં. ડિટેકશનની કામગીરીમાં પણ તે સારા હતાં. સાથે ફરજ બજાવતાં કોન્સ્ટેબલ વિજયભાઇ મેતા સાથે આ બનાવ બાબતે વાતચીત કરતાં તેમણે ભારે હૈયે જણાવ્યું હતું કે, ભાઇ આ માની શકાય એવું જ નથી, એને કોઇ તકલીફ નહોતી...હજુ ગઇકાલે સાંજે સાતેક વાગ્યે જ એ પોલીસ સ્ટેશને નોકરી પર ન આવ્યા હોઇ મેં ફોન કરીને પૃછા કરતાં તેણે સીકલીવ પર ગયાની વાત કરી હતી. એ પછી અમને મોડી રાતે આ બનાવની જાણ થતાં અમે હતપ્રભ થઇ ગયા હતાં. એમના પત્નિની મિસ ડિલીવરી અગાઉ થઇ હતી. કદાચ એ કારણે આશિષભાઇ ચિંતામાં રહેતા હોય તો કહી શકાય નહિ. આ સિવાય તેમને નોકરીમાં કે બીજી કોઇ તકલીફ હતી નહી. અમે પણ વિચારમાં મુકાઇ ગયા છીએ કે આવું પગલું એમણે શા માટે ભર્યુ?

ઘટનાની જાણ થતાં થોરાળા પોલીસ મથકના અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં અંતિમવિધીમાં સામેલ થવા રેલનગર નાથદ્વારા સોસાયટીમાં પહોંચ્યા હતાં.

(12:17 pm IST)