Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

આપણા અખંડ ભારતના ઘડવૈયા અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી લોહ પુરૂષ સરદાર પટેલની જન્મજયંતિએ આપણે તેમના ચીંધેલા માર્ગે ચાલીએ તેમજ તેમના અખંડ ભારતના સપનાને વધુ સુદ્ઢ-મજબુત બનાવીએઃ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ

સરદાર પટેલની શનિવારે 145મી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ પોલીસે પરેડને નીતીનભાઇ પટેલે રાજકોટ બહુમાળી ભવને સરદાર સાહેબની પ્રતિમા ખાતેથી પરેડને લીલી ઝંડી આપી

રાજકોટ: સરદાર પટેલની શનિવારે 145મી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ પોલીસે પરેડ યોજી હતી. રાષ્ટ્રીય એક્તા દિવસની ઊજવણીના ભાગરુપે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે રાજકોટ બહુમાળી ભવને સરદાર સાહેબની પ્રતિમા ખાતેથી પરેડને લીલી ઝંડી આપી હતી.

Police paradeના કાર્યક્રમના પ્રારંભમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રધ્ધાંજલિ અર્પણ કરીને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવડાવ્યા હતા. આ પ્રતિમા પાસે આવેલ સરદાર સરોવરના મોડેલની તેમણે પ્રશંસા પણ કરી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યુ કે, “આપણા અખંડ ભારતના ઘડવૈયા અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી લોહ પુરૂષ સરદાર પટેલની જન્મજયંતિએ આપણે તેમના ચીંધેલા માર્ગે ચાલીએ તેમજ તેમના અખંડ ભારતના સપનાને વધુ સુદ્ઢ-મજબુત બનાવીએ.”

“આજે આપણુ અખંડ ભારત વિકસિત, સમૃધ્ધ અને સલામત છે તેવુ સપનુ આઝાદીના સમયે સરદાર સાહેબે જોયુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબના જન્મદિનને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નકકી કર્યુ છે.”

“દેશને ગૌરવ થાય તેવી કેવડિયા કોલોની ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ આપણે કરી સરદાર સાહેબના પ્રેરણારૂપ કામોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા છે.”

કોરોના મહામારીને લીધે રન ફોર યુનિટી ન યોજાઇ

આપણે સરદાર સાહેબની જન્મજયંતિને રન ફોર યુનિટીના માધ્યમથી ઉજવણી કરતા હતા. પરંતુ કોરોનાના સંક્રમણના લીધે આ વર્ષે તે શકય બની શકયુ નથી. રાજકોટના પોલીસ અને ટ્રાફિકના જવાનો પરેડના માધ્યમથી દેશભકિત, એકતા અને સલામતીનો જોમ અને જુસ્સો પૂરા પાડશે તે ગૌરવની વાત છે, તેમ પટેલે ઉમેર્યુ હતું.

પોલીસ જવાનોને ઉદેશીને નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, આપણે આપણી આંતરિક સલામતીને પણ વધુ મજબુત બનાવીને બહાદુરીપૂર્વક તેને નિભાવવી જોઇએ. આપણી આતંરરાષ્ટ્રીય સરહદો પણ સલામત રહે તેવી શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદ રૈયાણી, કલેકટર રેમ્યા મોહન, સયુંકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, પોલીસ અધિક્ષક બલરામ મીના, નાયબ પોલીસ કમિશનર પ્રવિણકુમાર સહિત આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(5:34 pm IST)