Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

કૃષિ બીલને કાળો કાયદો ગણાવી કોંગ્રેસનાં ધરણા : ૧૭ થી વધુ ની અટકાયત

સવારે ૧૦ વાગ્યે ત્રિકોણ બાગ ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, એ.આઇ.સી.સી. સેક્રેટરી રાજીવ સાતવ, શહેર પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશમંત્રી મહેશ રાજપૂત, જીલ્લા પ્રમુખ હીતેષ વોરા સહિતનાં આગેવાનોની ઉપસ્થિતિ

ત્રિકોણબાગ ખાતે કૃષિ બિલનાં વિરોધમાં શહેર કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યુ હતું. તે વખતની તસ્વીરોમાં અમિત ચાવડા, રાજીવ સાતવ, અશોક ડાંગર તથા કોંગી આગેવાનો અને કાર્યકરો ધરણા પર બેઠેલા દર્શાય છે. અન્ય તસ્વીરોમાં પોલીસે આગેવાનોની અટકાયત કરી હતી તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૧: કેન્દ્ર સરકારે ખેડૂતો માટે અમલી બનાવેલ કૃષિ બિલને વિપક્ષ કોંગ્રેસે કાળો કાયદો ગણાવી તેનાં વિરોધમાં આજે રાજકોટનાં ત્રિકોણ બાગ ખાતે ધરણા યોજયા હતા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા એ.આઇ.સી.સી. સેક્રેટરી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં યોજાયેલ આ ધરણાનો કાર્યક્રમ સાંજે ૪ વાગ્યા સુધી ચાલવાનો હતો પરંતુ વચ્ચેથી પોલીસે કાર્યક્રમ અટકાવી ધરણા પર બેઠેલા પ્રમુખ અશોક ડાંગર, મહેશ રાજપૂત સહિત ૧૭ થી વધુ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.

આ અંગે કોંગ્રેસનાં પ્રદેશ અગ્રણી મહેશ રાજપૂતે જણાવ્યા મુજબ આજે   સવારે ૧૦ વાગ્યાથી  ત્રિકોણ બાગ ખાતે શ્રી ઢેબરભાઇની પ્રતિમાં પાસે શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતોનાં કાયદાનો વિરોધ કરવા   ધરણા-પ્રદર્શન યોજાયા હતા.

આ ધરણામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા ત્થા એ. આઇ. સી. સી. નાં જનરલ સેક્રેટરી રાજીવ સાતવ ખાસ હાજરી ઉપરાંત ૧૦૦ જેટલા કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા.

આ તકે પ્રદેશ નેતાઓએ કેન્દ્ર સરકારના કૃષિ બીલને ખેડૂત વિરોધી ગણાવી અને આ કાળો કાયદો નાબુદ થવો જોઇએ  તેવી માંગ ઉઠાવી હતી.  જેને ઉપસ્થિત સૌ કોંગ્રેસીઓએ સમર્થન આપી આ મુદ્દે લડત આપવા કટીબધ્ધતાં બતાવી હતી.

આ ધરણાનો કાર્યક્રમ સવારે ૧૦ થી સાંજે ૪ વાગ્યા સુધી યોજવા માટે ગઇકાલે જ પોલીસ કમીશનરશ્રીની મંજુરી માંગી હતી પરંતુ આજે જયારે ઘરણા ચાલુ થયા બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે ધરણા પર બેઠેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી અને ધરણા અટકાવી દીધા હતાં.

પોલીસે ૧૭ની અટયકાત કરી

ધરણા દરમિયાન પોલીસે (૧) અશોકભાઇ ડાંગર (ર) હિતેષભાઇ વોરા (૩) પ્રદીપભાઇ ત્રિવેદી (૪) મહેન્દ્રસિંહ જાડેજા (પ) વિરલ ભટ્ટ (૬) ભુપતસિંહ ઝાલા (૭) અલ્પેશભાઇ (૮) ભાવેશભાઇ (૯) હિતેશભાઇ પાતર (૧૦) દાનાભાઇ હુંબલ (૧૧) મહેન્દ્રભાઇ (૧ર) લાખાભાઇ પરમાર (૧૩) સોમાભાઇ પીઠાભાઇ મકવાણા (૧૪) રવીભાઇ ડાંગર (૧પ) રવીભાઇ રમેશભાઇ પરમાર (૧૬) વાસ્વીબેન સોલંકી (૧૭) બીલ્કીશબેન લાબા  વગેરેની અટકાયત કરી અને નિયમ મુજબ કાર્યવાહી કરી હતી.

અમીત ચાવડા-રાજીવ  સાતવ ધારી પ્રચાર માટે રવાના

ધરણા કાર્યક્રમમાં હાજરી આપી પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા તથા એ.આઇ.સી.સી.ના સેક્રેટરી રાજીવ સાતવ તુરત જ મોરબીમાં પેટા ચુંટણીમાં પ્રચાર માટે નિકળી ગયા હતા. તેમ પ્રમુખ અશોકભાઇ ડાંગરે જણાવ્યું હતું.

(2:36 pm IST)
  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,698 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,81,864 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,71,213 થયા:વધુ 56,182 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74, 87,093 રિકવર થયા :વધુ 454 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,22,135 થયો access_time 1:09 am IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલ 1 નવેમ્બરના રોજ બિહારના પ્રવાસે : છપરા , સમસ્તીપુર ,પૂર્વ તથા પશ્ચિમ ચંપારણમાં ચૂંટણી સભા સંબોધશે : મુખ્યમંત્રી નીતિશકુમાર ,તથા જેડીયુ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે જોડાશે : પોલીસ ડિપાર્ટમેન્ટ ,બોમ્બ નિરોધક સ્ક્વોડ ,સહિતની ટિમો સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ access_time 8:31 pm IST