Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ઢેબર ચોકમાં આટાફેરા કરતાં રહેતાં જોની લંગડો તરીકે ઓળખાતા આધેડનું મોતઃ વાલીવારસની શોધ

મોચી કામની પેટીમાંથી તેના માતા અને ભાઇના ફોટા મળ્યા

રાજકોટ તા. ૩૧: ઢેબર રોડપર આર.એમ.સી. ચોક અશોક ગેસ્ટ હાઉસ ઇદગાહની દિવાલ પાસે ફુટપાથ પરથી અજાણ્યો પુરૂષ બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેનું એ રાતે જ મોત નિપજ્યું હતું. એ-ડિવીઝનના પીએસઆઇ એસ.એચ. નિમાવત, સાજીદભાઇ અને મનિષભાઇએ તપાસ કરતાં મૃતક અશોક ગેસ્ટ હાઉસ આસપાસ જ આટાફેરા કરતો રહેતો હોવાનું અને તેને લોકો જોની લંગડો તરીકે ઓળખતા હોવાની માહિતી મળી હતી. આ શખ્સ મોચી કામની પેટી રાખતો હોઇ તે ખોલીને જોતાં તેનું નામ પ્રફુલ સુંદરજીભાઇ પરમાર (રહે. ભગવતીપરા)નું સરનામુ મળ્યું હતું. તેમજ પેટીમાંથી બે ફોટા મળ્યા હતાં. જેમાં એક ફોટો મહિલાનો હતો. તેમાં સ્વ. શાંતાબેન સુંદરજીભાઇ પરમા સ્વ. તા. ૨૦/૦૧/૨૦૦૮ તથા બીજો ફોટો પુરૂષનો હતો તેમાં સ્વ. હરેશભાઇ સુંદરજીભાઇ પરમાર સ્વ. તા. ૮/૧૨/૨૦૧૭ના લખાણ હતાં. મૃતક પ્રફુલ ઉર્ફ જોની લંગડો હોવાની પોલીસને જે માહિતી મળી છે તે અનઅધિકૃત છે. મૃતકના જમણા હાથમાં ત્રાજવા ત્રોફાવેલા છે. તેમજ કમળનું નિશાન છે. ડાબા પગે જુના ઓપરેશનના ડાઘ છે. તેનુંમોત બિમારીથી થયાની શકયતા છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ ભગવતીપરામાં તપાસ કરતાં પોલીસને મળ્યા નથી. કોઇને માહિતી હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:29 pm IST)