Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સરદાર વલ્લભભાઈ પટેલ : દેશ માટે એક સમર્પિત જીવન

૩૧ ઓકટોબર એટલે આજે જે અખંડ ભારતનો આપણે નકશો જોઇએ છીએ તે બનાવવાનું ભગીરથ કાર્ય કરનારા, વર્તમાન સોમનાથ મંદિરનાં પુનઃનિર્માણનાં પ્રણેતા, માહિતી અને પ્રસારણ મંત્રી, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન, ગૃહપ્રધાન, લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી.

સરદાર વલ્લભભાઈ પટેલ એટલે દેશ માટે એક સમર્પિત જીવન,સમર્પિત એટલા માટે કે સરદાર પટેલ તે સમયે ૪૦,૦૦૦ ની ધીકતી કમાણી વાળો વકીલાતનો વ્યવસાય છોડી દેશ સેવામાં લાગી ગયા હતા.

સમર્પિત એટલા માટે કે પાંચસોથી વધુ રાજયોનું ભારતીય સંદ્યમાં વિલીનીકરણ એ સરદારના જીવનની સૌથી મોટી સિદ્ઘી હતી. આજનો હિન્દુસ્તાનનો નકશો સરદારની મહેનતને આભારી છે. સરદારે જે કરી બતાવ્યુ એ માત્ર હિન્દુસ્તાનના નહીં પણ કદાચ વિશ્વના ઈતિહાસની સૌથી વિરલ દ્યટના હતી.

સમર્પિત એટલા માટે કે જયારે સરદાર પટેલ અમદાવાદ શહેરના મેયર હતા ત્યારે વર્ષ-૧૯૨૮ અમદાવાદનાં ઇતિહાસમાં સૌથી વધુ વરસાદ(૭૨ કલાકમાં ૫૭ ઈંચ) પડ્યો ત્યારે સરદાર પટેલ એક અઠવાડિયા સુધી પોતાનીજ ઓફીસમાં રહીને પહેરેલ કપડે ચાલુ વરસાદે દરેક વોર્ડમાં જઇને અધિકારીઓને સાથે રાખીને નીરીક્ષણ કર્યું હતું અને તેમના મેયરપદ ના કાર્યકાળ દરમીયાન પીવાના પાણીમાટે જરૂરિયાતવાળાને રાત્રે પણ સાથે જઇને નળની પાઈપલાઈન આપેલી.

સમર્પિત એટલા માટે કે જયારે સરદાર પટેલ દેશના નાયબ વડાપ્રધાન હોય અને તેમના ભાઈ વિઠલભાઈ તેમની મુલાકાત માંગે ત્યારે સમાજ કે દેશ તેમના વિશે શું વિચારસે તે જોયને સરદાર પટેલે પોતાના સગા ભાઈ સાથેની મુલાકાત રદ કરી દીધી હતી.

સમર્પિત એટલા માટે કે દેશના નાયબ વડાપ્રધાન હોવા છતાં તેમના નિવાસસ્થાને એક જ ટેલીફોન હતો તે પણ સરકારી કામ કાજ પુરતો જ પોતાના અંગત કાર્ય માટે કરવામાં આવતા ફોનનું બીલ સરદાર પોતે ચુકવતા.

સમર્પિત એટલા માટે કે સરદાર સરકારી પ્રવાસ દરમીયાન કોઈ ટી.એ બીલ લેતા ન હતા તેમજ પોતે લખેલા અંગત પત્રો માં પોતાની અંગત મૂડી માંથી ખરીદેલી ટીકીટ લગાડતા.

સમર્પિત એટલા માટે કે એકવાર એર એજન્સીનું દિલ્હી થી મુંબઈ મોકલેલાં મૃતદેહનું રૂ.પાંચેકહજારનું બિલ દેશના ગૃહવિભાગને મળ્યું અને આ બિલ ગૃહખાતાના ખર્ચમાં ઊધાર્યા વિના ગૃહપ્રધાને બિલ પર નોંધ લખીને મોકલાવી કે શ્નપ્લીઝ પે ધીસ એમાઉન્ટ ફોર્મ માય પર્સનલ એકાઉન્ટ.

સમર્પિત એટલા માટે કે  ખેડૂત સત્યાગ્રહની સફળતા બાદ ગાંધીજીએ જાહેરમાં કહ્યું હતું કે, મારે કબુલ કરવું જોઇએ કે મેં વલ્લભભાઇની પહેલી મુલાકાત લીધી ત્યારે મને એમ થયું હતું કે આ અક્કડ પુરુષ કોણ હશે? એ શું કામ કરશે? પણ જેમ જેમ હું એમના વધારે પ્રસંગમાં આવ્યો તેમ તેમ મને લાગ્યું કે મારે વલ્લભભાઇ તો જોઇએ જ. વલ્લભભાઇ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત.

સમર્પિત એટલા માટે કે દેશ આઝાદ થતાં જુનાગઢનાં નવાબે જુનાગઢને પાકિસ્તાન સાથે ભળવાનો મનસૂબોવ્યકત કર્યો ત્યારે તેની સામે શામળદાસ ગાંધીની આગેવાની હેઠળ આરઝી-હકુમતની રચના કરાવી લોક-લડત ઉપડાવી ૯ નવેમ્બનરનાં શુભ દિને જુનાગઢ સ્વતંત્ર ભારતનો અવિભાજય હિસ્સો બનાવ્યું.

સમર્પિત એટલા માટે કે એક જમાનામાં ભારતની કિર્તી સમાન સોમનાથ મહાદેવનાં મંદિરની બિસ્માર, ઉપેક્ષીત, એકાંકી હાલત જોઇને સરદાર પટેલનું દિલ દ્રવી ઉઠ્યુ અને સમુદ્ર તટે પહોચી અને સમુદ્ર જળ હાથમાં લઇને તેમણે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરવાનો સંકલ્પ કર્યો.

સમર્પિત એટલા માટે કે સરદાર પાસે જીવનના અંતકાળે સામાન્ય માણસ પાસે હોય એટલીય મૂડી નહોતી. તે અવસાન પામ્યા ત્યારે મૂડીમાં ખાદીનાં ત્રણ-ચાર ધોતી-પહેરણ અને બેંકમાં થોડા રૂપિયા સિવાય બીજું કશું તે છોડી ગયા નહોતા.

એકતા અને અખંડીતત્ત્।ાના શિલ્પી ભારતના ભડવીર સરદાર વલ્લભભાઈ પટેલ ને શત શત વંદન.

શ્રી વણપરીયા પ્રદીપ ગંગદાસભાઈ રાજકોટ

(1:24 pm IST)