Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

પ્રમુખ - ઉપપ્રમુખને હોદ્દા પરથી હટાવો નહિતર અમે ઉથલાવવા આગળ વધશુ

ખાટરિયા જુથથી દૂર સરકેલા સભ્યોએ જિલ્લા પ્રમુખને મળીને ચેતવણી આપી : જિલ્લા પંચાયતના કોંગીના બેય જુથ પ્રદેશમાં સામસામી રજૂઆત માટે સજ્જ

રાજકોટ તા. ૩૧ : જિલ્લા પંચાયતમાં પ્રમુખની ચૂંટણી પછી ભાજપ પ્રેરિત બાગી જુથ સાથે ગયેલા અને ત્યારબાદ ફરીથી કોંગ્રેસના અર્જુન ખાટરિયા જુથમાં આવેલા પાંચ સભ્યો સહિતના પ્રતિનિધિ મંડળે જિલ્લા કોંગ્રેસને મળી પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખનું રાજીનામુ માંગી લેવા રજૂઆત કર્યાનું જાણવા મળે છે. જો રાજીનામુ માંગવામાં ન આવે અથવા રાજીનામુ આપે નહિ તો તેમને હોદ્દા પરથી દૂર કરવા બાકીના બાગી અને અસંતુષ્ટ સભ્યોના સમર્થનથી આગળ વધવાની (અવિશ્વાસ દરખાસ્ત) ચીમકી ઉચ્ચારી હતી. જિલ્લા પ્રમુખે રજૂઆતકારોની 'લાગણી' પ્રદેશમાં પહોંચાડવાની હૈયાધારણ આપી હતી. જિલ્લા પંચાયતમાં જુથવાદની દ્રષ્ટિએ વારંવાર સમીકરણો બદલાઇ રહ્યા છે. છેલ્લા બળાબળના પારખા વખતે કોંગ્રેસમાં રહેલા ખાટરિયા જુથ પાસે ૨૨ અને ભાજપ તથા સમિતિઓના સત્તાધારી કોંગી બાગીઓ પાસે ૧૪ સભ્યોનું સંખ્યાબળ હતું. આજની તારીખે ખાટરિયા જુથનું સંખ્યાબળ ઘટયાનું અને બાગીઓનું સંખ્યાબળ વધ્યાનો રજૂઆતકારોનો દાવો છે. અવિશ્વાસ દરખાસ્ત પસાર કરાવવા માટે ઓછામાં ઓછા ૨૨ સભ્યોનો ટેકો જરૂરી છે. ભાજપ સતત સંપર્કમાં છે.

કોંગ્રેસના બંને જુથોએ પ્રદેશમાં સામસામી રજૂઆતની તૈયારી રાખી છે. બાગીઓ બહુમતી સુધી પહોંચી જવા આશાવાદી છે. જ્યારે ખાટરિયા જુથનું કહેવું છે કે, કદાચ બે-ત્રણ સભ્યો આઘા-પાછા થઇ શકે પણ બહુમતી જળવાઇ રહેશે. પ્રમુખ, ઉપપ્રમુખ હટાવવાની ભાજપ પ્રેરિત ચળવળને પ્રદેશ કોંગ્રેસ પ્રોત્સાહન આપશે નહિ.(૨૧.૨૬)

(3:44 pm IST)