Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

તડામારતૈયારી

રાજકોટમાં કાલથી ભવ્ય ગોરસ લોકમેળોઃ ૫ દિ' હૈયે હૈયુ દળાશે

પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે સવારે ૧૦ વાગ્યે ખુલ્લો મુકાશે જન્માષ્ટમીનો મેળો : કલેકટરના માર્ગદર્શન હેઠળ ૧૫૦નો સુપરવાઇઝરી સ્ટાફ ખડેપગે : સફાઇ - સુરક્ષા અને વિજળીના કન્ટ્રોલરૂમો : ૨૦૦ રમકડાના સ્ટોલ અને ૪૪ ફજત-ફાળકા, ૧૬ આઇસ્ક્રીમ ચોકઠા, ખાણી-પીણીના સ્ટોલ : ૪ મુખ્ય પ્રવેશદ્વારોને ભગવાન કૃષ્ણના નામો અપાયા : ૧૦ જાહેર પાર્કિંગની વ્યવસ્થા : સૌ પ્રથમવાર પ્લાસ્ટીક મુકત મેળાનું આયોજન : ૭૨૦૦૦ ચો.ફુટમાં જામશે મેળો : સુરક્ષા માટે ૩૦૦૦ પોલીસ જવાનો અને ૩૦૦ સી.સી.ટી.વી. કેમેરા : ૨ાા કરોડની આવક : ૭ કરોડનો વિમો ઉતરાવાયો

રાજકોટ તા. ૨૫ : સાતમ - આઠમના તહેવારો દરમિયાન કલેકટર તંત્ર દ્વારા દર વર્ષે યોજાતા પરંપરાગત જન્માષ્ટમનો લોકમેળો આગામી શનિવારથી શરૂ થનાર છે ત્યારે આ ભવ્ય મેળાના આયોજનને આખરી ઓપ આપવા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ૧૫૦થી વધુ અધિકારી - કર્મચારીઓના સુપરવાઇઝરી સ્ટાફ દ્વારા તડામાર તૈયારી થઇ રહી છે.

આવતિકાલે તા. ૧ને શનિવારે સવારે ૧૦ વાગ્યે શિક્ષણ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે આ ભવ્ય જન્માષ્ટમી મેળાને ખુલ્લો મુકાશે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ આ વર્ષે ગોરસ લોકમેળા તરીકે યોજાનાર જન્માષ્ટમીના મેળામાં ૨૦૦ રમકડાના અને ૪૪ જેટલા યાંત્રીક એટલે કે ફજત - ફાળકા, મોતના કુવા, ચક્કરડી વગેરે તેમજ ખાણી-પીણી અને આઇસ્ક્રીમ સહિતના તમામ ૩૨૧ જેટલા સ્ટોલનું વેચાણ થઇ જતા તંત્રને બેથી અઢી કરોડની આવક થઇ છે. જેમાંથી મેળાનો ખર્ચ બાદ કરતા તંત્રને ૧.૩૫ લાખ જેટલો નફો થશે.

લોકમેળામાં વિજળી માટે ૯૦ કિલો વોટના ૧૮ કનેકશન લેવાયા છે. ઉપરાંત જનરેટરની વ્યવસ્થા રખાઇ છે. જ્યારે સુરક્ષા માટે ખાનગી સિકયોરીટી ઉપરાંત ૩૦૦૦ પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે. તેમજ ૩૦૦ સી.સી.ટીવી કેમેરા મુકાશે.

મેળા દરમિયાન વ્યવસ્થા માટે કલેકટર, મ્યુ. કોર્પોરેશન, વિજ કંપની અને પોલીસ આ ચારેય સરકારી તંત્રના કંટ્રોલરૂમ કાર્યરત રહેશે.

લોકમેળામાં એન્ટ્રી માટે કુલ ૪ પ્રવેશદ્વાર રહેશે જેને ભગવાન શ્રી કૃષ્ણના નામો અપાશે. ઉપરાંત મેળાના મેદાન નજીક ૧૦ જગ્યાએ વાહન પાર્કિંગની સુવિધા અપાશે.

કુલ ૭૨૦૦૦ ચો.ફુટમાં યોજાનાર આ ગોરસ લોકમેળાની ખાસિયત એ છે કે, સૌ પ્રથમ વખત પ્લાસ્ટીક મુકત મેળો યોજાશે. એટલે કે મેળામાં પાણીના પાઉચ સહિત ખાણી-પીણી માટે પ્લાસ્ટીકના ઉપયોગ ઉપર પ્રતિબંધ રહેશે.

લોકમેળાના ઉદ્ઘાટન સમારોહમાં પૂરવઠા મંત્રી જયેશ રાદડિયા, મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિન મોલિયા, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડ, કલેકટરશ્રી તથા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની સહિતના અધિકારીઓ - પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

સમગ્ર મેળાના આયોજન માટે પ્રાંત અધિકારીશ્રી પટેલ તથા સિરરિસ્તેદાર શ્રી લાબડિયા સહિતના અધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:29 pm IST)