Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

રામનાથ મહાદેવ મંદિરનાં નવા બાંધકામમાં ભાંગ-તોડ બંધ કરોઃ કોંગ્રેસ

પ્લાનીંગ વગરનાં બાંધકામથી પ્રજાનાં પૈસાનો બગાડઃ માણસુરવાળા, બીજલ ચાવડિયા, રાજુભાઇ કાચા, ડેનીશભાઇ બોરીચા, નિરવ કયાડા, અંકિત વ્યાસનો આક્ષેપ

રાજકોટ તા. ૩૧: શહેરનું પૌરાણિક શ્રી રામનાથ મહાદેવ મંદિરનાં નવા બાંધકામમાં અવાર-નવાર ભાંગ-તોડ કરવાથી પ્રજાનાં પૈસાનો બગાડ થઇ રહ્યાનો આક્ષેપ કોંગ્રેસનાં આગેવાનોએ કર્યો છે.

આ અંગે કોંગી આગેવાનો માણસુરવાળા, બીજલભાઇ ચાવડીયા વિગેરેએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં રામનાથપરા વિસ્તારમાં આજી નદીની વચોવચ ૬પ૦ વર્ષ જૂનું સ્વયંભુ રામનાથ મહાદેવ આવેલ છે જે પૌરાણિક જગ્યા છે. આજી નદીના વેણ વચ્ચે રામનાથ મહાદેવ બિરાજેલ છે. આજી નદીના વેણ વચ્ચે કોઇપણ બાંધકામ શકય નથી. જો રાજકોટમાં ર૦ થી રપ ઇંચ વરસાદ આવે તો આજી નદીમાં ઘોડાપુર આવી જાય છે જેથી પાણીકેશરી હિંદ પુલ સુધી પહોંચે છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રામનાથ મહાદેવને ફરતે જે ચણતર કરવામાં આવ્યું છે તેમાં પ્લાનીંગના અભાવને લીધે વારંવાર તોડ-ભાંગ કરવામાં આવે છે. જો મહાનગર પાલિકા એન્જીનીયરોને કોન્ટ્રાકટરોને અઢળક રૂપિયા આપતી હોવા છતાં પ્લાનીંગના અભાવને લીધે રામનાથ મહાદેવ ઉપર કાદવ, કિચળ ૧-૧ ફુટ સુધી ભરાય છે. વારંવાર ભાંગ-તોડ કરવાથી પ્રજાના પૈસાનો દુરઉપયોગ થાય છે. માટે મ્યુનિસિપલ કોર્પોરેશન રામનાથ મહાદેવની જગ્યા પર જે પ્લાનીંગ વગરનું જે બાંધકામ કરવામાં આવ્યું છે તેને હટાવી ખુલ્લુ કરે. પહેલા જે રીતે રામનાથ મહાદેવનું સ્થાનને જગ્યા હતી તે રીતે પાછી બનાવે.

રાજકોટ મહાનગર પાલિકા બાંધકામની જગ્યા કરતા આજી નદી સાફ કરવામાં વધારે ધ્યાન આપે તે જરૂરી છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આજી નદી સાફ કરવા માટે ફાળવવામાં આવે છે તે પૈસા આજી નદીમાં ગટરનું પાણી અને કચરા સાફ કરવા માટે વપરાય પણ તે કામ થતું નથી. આજી નદી સાફ થઇ નથી. ગ્રાન્ટનો ભ્રષ્ટાચાર બંધ થાય અને તે યોગ્ય જગ્યાએ વપરાય આજી નદી સાફ કરવામાં આવે તેવી માંગ તેઓએ ઉઠાવી છે.

(4:33 pm IST)