Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

રવિવારે ઈશ્વરિયા મહાદેવથી પાંચ કિ.મી. પ્રકૃતિ પદયાત્રા

પ્રકૃતિની મોજ માણવા ટિફિન લઈને પહોંચી જજોઃ સ્વીમિંગ પૂલમાં ધૂબાકાઃ પરિવાર સાથે ઉમટવા વી.ડી. બાલાનો અનુરોધ

રાજકોટ, તા. ૩૧ :. નવરંગ નેચર કલબ-રાજકોટ શ્રી સત્યપ્રકાશ પરિવાર-બજરંગવાડી રાજકોટના સંયુકત ઉપક્રમે પ્રકૃતિ પદયાત્રાનું આયોજન થયું છે. રાજકોટમાં સારો વરસાદ થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે પ્રકૃતિ 'માં'ના ખોળામાં આળોટવાનો અવસર ઉભો થયેલ છે. પ્રકૃતિનો અનેરો આનંદ માણવા તા. ૫-૮-૨૦૧૮ને રવિવારે ૫ કિલો મીટરની પ્રકૃતિ પદયાત્રાનું આયોજન કરેલ છે. આ પ્રકૃતિ પદયાત્રા ૨૦૧૪થી  દર વર્ષે ઓગષ્ટના પહેલા રવિવાર (વિશ્વ ભાઈચારા દિવસે) યોજાય છે. રાજકોટના પ્રબુદ્ધ અને પર્યાવરણ પ્રેમી યુવા ભાઈ-બહેનો, વડિલો, બાળકો હોંશે હોંશે જોડાય છે. આ પદયાત્રા શહેરી જીવનથી થાકેલા-પાકેલા અને કંટાળેલા લોકો માટે અને પ્રકૃતિને આત્મસાત કરવા ઈચ્છતા જાગૃત અને શિસ્ત પ્રિય પર્યાવરણ પ્રેમી લોકો માટે અનેરી તક છે.

મેઘરાજાની મહેર થતા ધરતી નવપલ્લવિત થઈ સુગંધીત થયેલ છે ત્યારે આવી નાની એવી અનેરી પ્રકૃતિ પદયાત્રા દ્વારા આપણું મન આ આહલાદિત વાતાવરણને કારણે થનગનાટ કરવા લાગે છે ત્યારે આવો લ્હાવો અચુક લેવા જેવો છે. આ પદયાત્રામાં વિહાર કરતી વખતે હિંગોળગઢનાં જંગલમાં ફરતા હોય તેવું મહેસુશ થાય છે, એટલે કે હિંગોળગઢની નાની એવી આવૃતિ હોય તેવું લાગે છે.

આ પ્રકૃતિ પદયાત્રા દુર્લભ વનસ્પતિઓ, વિવિધ પ્રજાતિના વૃક્ષોની ઓળખ અને ઉપયોગીતા વિશે જાણકારી આપવામાં આવશે. ઉપરાંત ત્યાં હરણો, કંટકવનના મધુર અવાજ વાળા પક્ષીઓ તથા જળ કાંઠાના પક્ષીઓ જોવા મળશે. ઉપરાંત સત્ય પ્રકાશ ઉપવન ખાતે વિવિધ રમતો, રાસ ગરબાનો આનંદ માણી શકશો.

આ પ્રકૃતિ પદયાત્રામાં જોડાવા માટે લોકોને ભાવભર્યુ આમંત્રણ છે. આ પદયાત્રાનો રૂટ ઈશ્વરીયા મહાદેવ-રાજકોટના મંદિરેથી સવારે ૭.૦૦ કલાકે રવાના થશે અને બપોરે ૧.૦૦ કલાકે પરત થશે.

પ્રકૃતિ પ્રેમીએ ફળ તથા બપોરનું પોતા માટેનું સાત્વીક ભોજન સાથે લાવવાનું રહેશે. સ્વીમીંગ પૂલની સગવડતા છે માટે સ્વીમીંગ કરવાની ઈચ્છા હોય તે લોકોને કપડાની એક જોડી સાથે લાવવાની રહેશે. વન વગડામાં ફરવાનું હોય મજબુત બુટ કે મજબુત ચપ્પલ-સેન્ડલ પહેરીને આવવું. વરસાદ ગમે તેટલો હોય તો પણ આ પ્રકૃતિ પદયાત્રા અચુક થશે.

  વધારે વિગતો માટે વી.ડી. બાલા - નવરંગ નેચર કલબ મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮, હેમરાજભાઈ કુગશિયા તથા મનવીરભાઈ કુગશિયા-સત્યપ્રકાશ પરિવાર બજરંગવાડી, રાજકોટ ફોનઃ ૦૨૮૧-૨૪૯૦૭૦૧નો સંપર્ક થઈ શકે છે.

(4:07 pm IST)