Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

મોરબીમાં ખુન કરીને રાજકોટમાં લૂંટના ઇરાદે હત્યાની કોશિષના ગુનામાં પકડાયેલ નેપાળીની જામીન અરજી રદ

આરોપી ગુનાહીત માનસ ધરાવેઃ પ્રથમ દર્શનીય કેસ છેઃ અદાલત

રાજકોટ તા. ૩૧ :.. અહીંના ભાવનગર રોડ ઉપરના ઢાળ પાસે મજૂરી કામ કરતાં રિક્ષા ચાલક પ્રતિક ભરતભાઇ ખસીયા નામના કોળી શખ્સને છરીના ઘા ઝીંકી હત્યાની કોશીષ કરીને રૂ. પ૦૦ તેમજ બે મોબાઇલ ફોનની લુંટ કરતાં પકડાયેલ આરોપી અજય ઉર્ફે ચિનો જગદીશ રાવલ નામના નેપાળી શખ્સે જામીન પર છૂટવા કરેલ અરજીને મુખ્ય સેશન્સ જજ શ્રી ગીતા ગોપીએ નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આરોપી ખિસ્સા કાતરૂ ગેંગ સાથે સંકળાયેલ હોય તેઓ વચ્ચે ડખ્ખો થતાં મોરબીમાં તેના સાગ્રીતની હત્યા કરીને રાજકોટ ભાગી આવેલ અને રાજકોટ આવીને તે જ દિવસે એટલે કે તા. ૧૭-૬-૧૮ ના રોજ હાલના રીક્ષા ચાલક ફરીયાદી ઉપર ખૂની હૂમલો કર્યો હતો.

પોલીસે આરોપીની મોરબીના ખુનના ગુનામાં ધરપકડ કરીને પુછપરછ કરતાં આરોપીએ હત્યાના બનાવના દિવસે જ મોરબીથી રાજકોટ આવીને હાલના બનાવમાં સંડોવાયાની હકિકત ખુલતાં આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરતાં જામીન પર છૂટવા અરજી કરી હતી.

આ અરજીના વિરોધમાં સરકારી વકીલ  પ્રશાંત પટેલે રજૂઆત કરેલ કે, આરોપી ખિસ્સાકાતરૂ ગેંગનો સભ્ય છે. ગુનાહીત માનસ ધરાવે છે. મોરબીમાં ખુન કરીને રાજકોટ ભાગી આવી તે જ દિવસે હાલના બનાવમાં પણ ભાગ ભજવેલ છે. આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય ગંભીર ગુનો હોય જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજૂઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને મુખ્ય સેશન્સ જજ શ્રી ગીતા ગોપીએ આરોપીની જામીન અરજીને રદ કરી હતી. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. પ્રશાંતભાઇ પટેલ રોકાયા હતાં.

(4:06 pm IST)