Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં મશીન ટુલ્સના માલીકને એક વર્ષની સજા અને પાંચ લાખનું વળતર ચૂકવવા હુકમ

અગાઉ ૧પ લાખના ચેક રિટર્ન કેસમાં સજા થયેલ : ૬૦ દિવસમાં વળતર ન ચૂકવે તો વધુ સજા

રાજકોટ, તા. ૩૧ : અગાઉ ૧ કરોડ ૩૮ લાખના ચેક રીટર્નના ત્રણ કેસોમાં બે-બે વર્ષની સજા સાથે ર કરોડ ૭૪ લાખનો દંડ ફટકારવામાં આવેલ, જે કેસોમાં જેલવાસ ભોગવી આવેલા શિવમ મશીન ટુલ્સના માલીક મહેશ શિવાભાઇ ટીલારાને ફરી ૧પ લાખના ચેક રીટર્નમાં એક વર્ષની સજા અને ૧પ લાખ ફરીયાદીને વળતર ચૂકવવાનો હુકમ થયા બાદ વધુ એક રૂપિયા પાંચ લાખના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા સાથે પાંચ લાખ ફરીયાદને ૬૦ દિવસમાં વળતર સ્વરૂપે ચૂકવવા અને તેમાં કસુર કર્યે તો વધુ છ માસની સજા ફરમાવતો ચૂકાદો રાજકોટના એડી. ચીફ જયુડી મેજી. શ્રી એચ.એસ. દવેએ ફરમાવેલ હતો અને ચેક રીટર્ન કેસમાં આરોપીઓ વિરૂદ્ધ લાલબતી સમાન ચૂકાદો ફરમાવતા આરોપીઓમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.

આ કેસની હકીકત જોઇએ તો, રાજકોટમાં મવડી પ્લોટમાં પટેલ બોર્ડીંગની બાજુમાં સરદાર નગરમાં રહેતા અને અટીકા ઇન્ડસ્ટ્રીટ એરીયામાં શિવમ મશીન ટુલ્સના નામે કારખાનું ધરાવતા આરોપી મહેશભાઇ શિવાભાઇ ટીલારાએ પોતાના ધંધા ઉપરાંત પોતાના ફાઇનાઇન્સમાં રકમની જરૂરીયાત અન્વયે મશીન ટુલ્સના ધંધા સાથે સંકળાયેલ અને સાધુવાસવાણી રોડ પર રહેતા ફરીયાદી મહેન્દ્ર તારાચંદભાઇ શાહ પાસેથી સબંધના દાવે રૂપિયા પાંચ લાખ મેળવી, પહોંચ લખી આપી વહેલામાં વહેલી તકે વળતર સાથે રકમ પરત કરવા વચન આપી રકમ ચૂકવવા ચેક ઇસ્યુ કરી આપી ચેક રીટર્ન થશે નહી, તેવા વાયદા આપી આપેલ વચન વાયદાનું ભંગ કરી ચેક પાસ થવા ન દઇ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે ગુનો આચરતા રાજકોટની અદાલતમાં આરોપી વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવેલ.

ફરીયાદ પક્ષ ધી નેગોશીએબલ ઇસ્ટ્રુમેન્ટ એકટ અન્વયેની ફરીયાદ પુરવાર કરવામાં સફળ રહેલ હોય અને તેનું ખંડન કરવામાં આરોપી નિષ્ફળ ગયેલ હોય, જેથી આરોપીને તકસીરવાન ઠરાવી સમાજમાં દાખલો બેસાડવો જરૂરી બની જાય છે, જેથી આરોપીને એક વર્ષની સજા અને ચેકની રકમ રૂપિયા પાંચ લાખ ૬૦ દિવસમાં ફરીયાદીને વળતર સ્વરૂપે ચૂકવવા અને તેમાં કસુર કર્યે વધુ છ માસની સજા ફરમાવતો હુકમ રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી.એ ફરમાવેલ છે.

ઉપરોકત કામે ફરીયાદી મહેન્દ્રભાઇ શાહ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, કરણ ડાભી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી રોકાયેલા હતાં.

(4:06 pm IST)