Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

વોર્ડ નંબર-૧: રવી રેસીડન્સી પાછળ મેદાનમાં સેંકડો લોકો બિન્દાસ શૌચક્રિયા કરે છે!!

રાજકોટને સ્માર્ટ સીટી બનાવવાની વાતો વચ્ચે સોનાની થાળીમાં લોઢાની મેખ : સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલો આ પ્રશ્ન ઉકેલવા અધિકારી-પદાધિકારીઓ કેટલી સ્માર્ટનેશ દેખાડે છે તે તો સમય કહેશે.... : વોર્ડ નંબર ૧ માંથી જ સ્વચ્છતા નિરીક્ષણનો પ્રારંભ કરનાર શાસકોને શું આ સ્થળ નહિ દેખાયું હોય ? કે પછી રાજકોટને સ્વચ્છ જોવા માગતા તરવરીયા નેતા સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડને ત્યાં સુધી લઇ જવાયા જ નથી ? : શાસકો વહેલી સવારે ૬ થી ૭ વચ્ચે સરપ્રાઈઝ ચેકીંગ કરે એટલે સાચી પરિસ્થિતિ જોઇ શકાશે : આ પ્લોટની પાછળની સાઇડ અસંખ્ય મકાનોના પ્રોજેકટો પણ ચાલી રહ્યા છે. ભવિષ્યમાં અહીંથી રસ્તો પણ કાઢવાનો છે. હાલ આ પ્લોટ પાસેથી દરરોજ સેંકડો લોકો ચાલીને વાહનો સાથે પસાર થાય છે

રાજકોટ : રાજકોટને સ્માર્ટ સીટી બનાવવા થનગનતા રાજકોટ મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ નવા - નવા પ્રોજેકટ જાહેર કરતા જાય છે. રાજકોટને સ્વચ્છ બનાવવા વોર્ડ વાઇઝ સફાઇ ઝૂંબેશ પણ ચાલુ કરી છે. ત્યારે વોર્ડ નં. ૧ માં સ્ટર્લીંગ હોસ્પિટલ પાસે ધરમનગર આવાસ યોજના નજીક આવેલ રવી રેસીડેન્સ્ી અને ઋષિવાટીકા સોસાયટીની આગળ જતા મેદાનમાં એક- બે - પાંચ નહિ પણ સેંકડો લોકો હજુ પણ જાહેરમાં શૌચક્રિયા કરીને મ્યુ. કોર્પોરેશનની આબરૂના લીરા ઉડાવી રહ્યા છે.

નવાઇની વાત તો એ છે કે, થોડા દિવસ પહેલા જ અધિકારી - પદાધિકારીઓએ વોર્ડ વાઇઝ સફાઇનું નિરીક્ષણ અને સફાઇ ઝૂંબેશ હાથ ધરવાનું નકકી કરેલ.

આ ઝૂંબેશ અનુસંધાને અધિકારી - પદાધિકારીઓએ વોર્ડ નંબર ૧ ની મુલાકાત લઇ સ્વચ્છતાનું નિરીક્ષણ પણ કરેલ પરંતુ સોમણનો સવાલ એ છે કે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને આ વોર્ડ નં. ૧ ના ધરમનગર રવિ રેસીડન્સી-ઋષિવાટીકા સોસાયટી અને તેનાથી આગળ જતા ઝૂંપડ પટ્ટી વિસ્તારની મુલાકાત નહિ લીધી હોય ? અને લીધી હોય તો રવિ રેસીડન્સીથી આગળ જતા મેદાનમાં ગંદકીના ઢગલા - મકાન બાંધકામનું વેસ્ટ મટીરીયલ અને ખુલ્લામાં સેંકડો લોકો શૌચક્રિયા કરે છે તેની દુર્ગંધ નહિ આવી હોય કે પછી આ વિસ્તારમાં બધુ બરાબર છે તેમ માનીને અધિકારીઓએ રાજકીય નેતાઓને આ વિસ્તારમાં ફરકવા જ દીધા નથી. તેવુ પણ બને ? નહિ તો પોતાની ફરજ પ્રત્યેની બેદરકારીનું ભોપાળું છતું થાય તો ?

મ્યુનિ કમિશ્નર બંછાનીધી પાની તથા હાલ નવા નિમાયેલા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદય કાનગડ શહેરને સાફ સુથરૂ જોવા માગે છે અને કયાંય અનિયમિતતા ચલાવી લેવા માગતા નથી. ત્યારે આ વિસ્તારના લોકો એવુ ઇચ્છી રહ્યા છે કે ફરીથી મ્યુ.કમિશ્નર અને સ્ટેન્ડીંગ ચેરમેને આ વિસ્તારની મુલાકાત અધિકારીઓ સાથે વહેલી સવારે ૬ થી ૮ ની વચ્ચે લેશે તો રવી રેસીડન્સીથી આગળ જતા આશરે ૭ થી ૧૦ હજારવાર જમીનના વિશાળ પ્લોટમાં સેકડો લોકો બિન્દાસ ખુલ્લામાંં શૌચક્રિયા કરતા જોવા મળશે અને ગંદકી કે કચરાની વાત કરીએ તો ૩૦  થી ૪૦ ટ્રક ભરાઇ તેટલો ટનબંધ કચરો પણ નિકળશે.

સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લઇ તે જમીનના પ્લોટની ખરાઇ કરવી જોઇએ જો તે પ્લોટ ખાનગી માલિકીનો હોય તો તેને નોટીસ આપી દિવાલ ચણાવા જણાવી દેવું જોઇએ જેથી ગંદકી થતી અટકી જાય.

કદાચ આ પ્લોટ કોર્પોની માલીકીને હોય તો પણ કોર્પોરેશને તાકીદે ફન્સીંગ કરીને પ્લોટને સલામત રાખવો જોઇએ આજ વિસ્તારમાં ઝૂપડાપટીના રહીશોને ત્યાં પાછળજ અવાસ યોજનામાં મકાનો ફાળવ્યા છે. તેવા લોકો મકાનમાં રહેવા ગયા છે કે પછી મકાન વેચીને ફરીથી ઝૂપડપટીમાં જ નથી.  રહેતા ને તેની પણ તપાસ કરવી જોઇએ.

આ ઉપરાંત ઝૂપડ પટી પાસે જાહેર શૌચાલય પણ બનાવ્યા છે ત્યારે અહિ ઝુપડપટીમાં રહેતા લોકોજ જાહેરમાં શૌચક્રિયા કરે છે તે તાકીદે બંધ કરાવી અવિસ્તારમાં સફાઇમાં બેદરકારી દાખવનાર જવાબદાર સેનીટરી ઇન્સપેકટર અથવા સફાઇ કામદારો સામે પણ પગલા લેવા આસપાસના રહીશોની માંગણી ઉઠવા પામી છે.ધરમનગર અને તેની આસપાસની જમીનો તો આશરે ૩૦ વર્ષ પહેલા બીનખેતી થયેલ છે છતાં હજુ આ વિસ્તારમાં અનેક જમીનના  પ્લોટો ખાલી પડયા છે અને આવા પ્લોટો થકી જ ગંદકી થાય છે ત્યારે કમિશ્નરે આવા પ્લોટ ધારકો સામે પગલા લેવા અને સમય મર્યાદામાં મકાન બાંધકામ કરેલ ન હોય બીનખેતી શરત ભંગના પગલા લેવા જિલ્લા કલેકટરને દરખાસ્ત કરવી જોઇએ તેવી લોક લાગણી પવર્તી રહી છે.રવિ રેસીડેન્સી પાસેના વિશાળ પ્લોટમાં ૧૦૦ જેટલા મકાનો બની શકે તેમ છે તેમ છતાં શા માટે આવડો મોટો પ્લોટ ખાલી પડયો છે. તે પણ એક પ્રશ્ન છે. મ્યુ. કોર્પોરેશને આ બાબતે તાકીદે સફાઇ હાથ ધરાવી પ્લોટની પાછળની સાઇડ રહેતા હજારો લોકો માટે  ત્યાંથી નકશા મુજબનો રોડ પણ હાલ (મેટલીંગવાળો) બનાવી આપવો જોઇએ. (પ-૭)

(3:57 pm IST)