Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

શહેરમાં ટ્રાફીક સમસ્યા ઉકેલવા નવી હોર્ડીંગ્સ નીતિ ઘડાશે

જાહેર ખબરના હોર્ડીંગ્સની માપસાઈઝ અને લોકેશનમાં ઘટાડો કરવા વિચારણા

રાજકોટ, તા. ૩૧ :. શહેરમાં ટ્રાફીકની સમસ્યા ઉકેલવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા અનેક નાના-મોટા પગલા લેવામા આવી રહ્યા છે. જે અંતર્ગત હવે જાહેર ખબરના હોર્ડીંગ્સ માટે નવી નીતિ અમલી બનાવવા મ્યુ. કમિશ્નર કક્ષાએથી ગંભીરતાપૂર્વક વિચારણા હાથ ધરવામાં આવ્યાનું જાણવા મળ્યુ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રાફીકની સમસ્યા ઉકેલવા માટે પાર્કિંગ, ટ્રાફીક સર્કલો નાના કરવા, રોડ ડીવાઈડરો અને ફુટપાથની સાઈઝમાં ઘટાડો કરવા સહિતના નાના-મોટા પગલાએ મ્યુ. કોર્પોરેશન દ્વારા લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે શહેરમાં ટ્રાફીકને નડતરરૂપ થતા અને આડેધડ ખડકાયેલા જાહેર ખબરના હોર્ડીંગ્સ બોર્ડ અંગે નવી નીતિ નક્કી કરી અને આ નીતિ મુજબ હોર્ડીંગ્સ બોર્ડના કોન્ટ્રાકટ આપવા મ્યુ. કમિશ્નર  કક્ષાએથી  ગંભીરતા પૂર્વક વિચારવામાં આવી રહ્યુ છે. 
સૂત્રોના  જણાવ્યા  મુજબ જે નવી નીતિ નક્કી થશે તેમા હોર્ડીંગ્સ બોર્ડની નવી સાઈઝ નક્કી થશે જે બને તેટલી ઓછી રાખવાનું નક્કી થનાર છે તથા હોર્ડીંગ્સ બોર્ડના લોકેશન પણ ટ્રાફીકને નડતરરૂપ ન થાય તે રીતે નક્કી થશે. જે જગ્યાએ હાલમાં ટ્રાફીકને નડતરરૂપ હોર્ડીંગ્સ બોર્ડ ખડકાયેલા છે તેની બાદબાકી કરી અને આવા લોકેશનનો કોન્ટ્રાકટ રદ કરવા પણ  ગંભીરતાપૂર્વક વિચારાયુ  છે. (૨-૧૬) 

(3:46 pm IST)