Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

સિવિલ હોસ્પિટલમાં લોહીના નમુના આપવા માટે કલાકો સુધી લોહી બાળવું પડે છે...ઓર્થોપેડિકની ઓપીડીમાં પણ અંધાધૂંધી

રાજકોટઃ સોૈરાષ્ટ્રની નંબર વન ગણાતી સિવિલ હોસ્પિટલમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. દર્દીઓને તમામ પ્રકારની સારવાર, દવાઓ સરળતાથી મળી રહે તે માટે તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા સતત સક્રિય રહે છે. પરંતુ અમુક વિભાગોમાં કોઇપણ કારણોસર દરરોજ દર્દીઓ અને તેના સગાઓને હાડમારીનો સામનો કરવો પડે છે. ઓપીડી બિલ્ડીંગમાં દર્દીઓને લોહીના રિપોર્ટ કરાવવા હોય તો રિતસર કલાકો સુધી લોહી બાળવું પડે છે, એટલે કે ખુબ લાં...બા સમય સુધી પોતાનો વારો આવે તેની રાહમાં ઉભા રહેવું પડે છે. જે તે વિભાગમાં પોતાના દર્દનું નિદાન કરાવવા જતાં દર્દીને જે તે તબિબ લોહીના રિપોર્ટ કરાવવાનું કહેતાં હોય છે. દરરોજ સવારે સેંકડોની સંખ્યામાં લેબોરેટરી ખાતે દર્દીઓ ઉમટી પડે છે. અહિ યુવાન હોય કે વૃધ્ધ બધાને એક જ કતારમાં ઉભા રહેવું પડે છે. અશકત દર્દીઓ પણ આ દુવિધાનો સામનો કરી રહ્યા છે. આવી જ હાલત દરરોજ ઓર્થોપેડિક વિભાગની ઓપીડીમાં સર્જાય છે. અહિ પણ દર્દીઓને સતત કતારોમાં ઉભા રહેવું પડે છે. અશકત, વૃધ્ધ, મહિલા કે તરૂણ કે પછી કોઇપણ હોય બધાને એક જ લાઇનમાં ઉભા રખાય છે. જાળીએ ઉભા રહેતાં સ્ટાફ દ્વારા દર્દીઓ અને તેના સગા સાથે રિતરસ ઘુરકીયા કરી લેવામાં આવે છે. લાંબા સમયથી ઓપીડીની આવી હાલત છે. તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ કોઇપણ દર્દીને પરેશાની ન પડે તે રીતે કાર્યવાહી કરવા સુચનાઓ આપી છે પરંતુ તેનો અમલ કોઇપણ કારણોસર થતો ન હોવાથી દર્દીઓ રિતસર હેરાન થઇ રહ્યા છે. આ બાબતે શ્રી મહેતા તાકીદે યોગ્ય કરે તે દર્દીઓના હીતમાં રહેશે. તસ્વીરમાં રિપોર્ટ માટે લોહીના નમુના આપવા માટેની કતારો અને ઓર્થોપેડિક ઓપીડી પાસે ઉભરાયેલુ માનવ કિડીયારૂ જોઇ શકાય છે. (૧૪.૧૧)

(3:38 pm IST)