Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

સોશ્યલ મીડીયાના 'વિકૃત યુઝર્સ'નો ભોગ બનતી મહિલાઓની પડખે પોલીસ છેઃ મનોજ અગ્રવાલ

મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે શહેર પોલીસનો સમગ્ર સ્ટાફ કટીબધ્ધઃ વોટસએપ, ફેસબુક, ટવીટર એકાઉન્ટનો ઉપયોગ મહિલાઓ પણ સમજી વિચારી કરેઃ કોઇ પણ અજાણી વ્યકિત સંપર્ક કરે કે મેસેજ મોકલે ત્યારે પ્રતિસાદ ન આપવોઃ નવનિયુકત પોલીસ કમિશ્નરની માધ્યમો મારફત અપીલ

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને અધિકારીઓએ પ્રિન્ટ અને ઇલેકટ્રોનીકસ મીડીયાના માધ્યમથી મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ કટીબધ્ધ હોવાની ખાત્રી આપવા સાથે મહિલાઓ અને યુવતીઓને સોશ્યલ મીડીયાનો ઉપયોગ સમજી વિચારી કરવા અને અજાણ્યા શખ્સોના સંપર્કમાં હરગીઝ નહિ આવવા ટીપ્સ આપી હતી. ત્યારની તસ્વીરમાં એડી. પોલીસ કમિશ્નર ખત્રી, ડીસીપી જાડેજા, ડીસીપી સૈની અને એસીપી-ક્રાઇમ જયદીપસિંહ સરવૈયા નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૩૧: ગઇકાલે રાજકોટના એક સદગૃહસ્થ ઘરના મહિલા સભ્ય સાથે સોશ્યલ મીડીયાના માધ્યમથી હકારાત્મક વાતો કરી સાડીઓ અને સાફાને લગતી મહિલા વર્ગની ખરીદીમાં માર્ગદર્શન આપવા મદદ માંગી પાછળથી બ્લેક મેઇલ કરવાના પ્રકરણમાં શહેર પોલીસ કમિશ્નર દ્વારા કાબેલીદાદ કામગીરી કરવામાં આવી હતી.  સોશ્યલ મીડીયાના આ વિકૃત શખ્સે આવી રીતે પ૦ થી વધુ યુવતીઓ અને મહિલાઓને પજવી હોવાનું બહાર આવ્યું છે ત્યારે મહિલાઓની સલામતીના વિશાળ હિતમાં  પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે માધ્યમો દ્વારા અપીલ કરી છે.  તેમણે ખાસ પ્રેસ કોન્ફરન્સ બોલાવી મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે રાજકોટ પોલીસ કટીબધ્ધ હોવાની ખાત્રી ઉચ્ચારી હતી.

શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે, ગઇકાલના કિસ્સામાં મહિલાએ ફરીયાદ કરવા આગળ આવી હિંમત દાખવી છે. પરંતુ જો  કોઇ મહિલા ફરીયાદ કરવા ન ઇચ્છતી હોય તો પણ તેઓ પોતાની આપવિતી અમારી સમક્ષ આવી વર્ણવશે તો અમે તેમની ઓળખ ખાનગી રાખી કડક હાથે જવાબદારો સામે કાર્યવાહી કરીશું. સોશ્યલ મીડીયાના વિકૃત યુઝર્સનો નિર્દોષ મહિલાઓ અવાર નવાર ભોગ બનતી હોય છે. આવા સંજોગોમાં મહિલાઓ પણ સતર્ક રહેવું જરૂરી છે.

આધુનિક યુગમાં ટેકનોલોજી વિકસી છે સોશ્યલ મીડીયાનો ઉપયોગ વધ્યો છે ત્યારે અજાણી વ્યકિત કોઇ પણ યુવતી કે મહિલાએ મેસેજ મોકલે કે ફોન કરી સંપર્ક કરવા કોશીષ કરે તો તુરંત સતર્ક બની જવું. આવા મેસેજ કે કોલનો પ્રતિસાદ આપવાનું  ટાળશો તો તમે બ્લેક મેઇલીંગનો કે ખોટી પજવણીનો ભોગ બનતા બચી જશો. પોલીસ મહિલાઓની સુરક્ષાને સતત પ્રાથમીકતા આપતી રહી છે અને આપશે. મહિલાઓએ  જરા પણ અસલામતી અનુભવવાની જરૂર નથી. રોમીયોગીરી કે પજવણી કે છેડતીના સંદર્ભમાં પણ તુરંત પોલીસનો સંપર્ક સાધવો તેમ શ્રી અગ્રવાલે જણાવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં  એડીશ્નલ પોલીસ કમિશ્નર શ્રી ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી સૈની, એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા અને ગઇકાલે વિકૃત સોશ્યલ મીડીયા યુઝર હરદીપસિંહ વાઘેલાને ઝડપી લઇ પદાર્થપાઠ શીખવનાર ટુકડીને અભિનંદન આપ્યા હતા.

(3:38 pm IST)