Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

લગ જા ગલે સે ફિર યે હંસી રાત હો ન હો...

ભગવતીભાઈ મોદીના સૂરસંસારના કાર્યક્રમમાં વિભાવરી યાદવ - નિતાંત યાદવ તથા આનંદ વિનોદ છવાયા : મેરે સપનો કી રાની કબ આયેગી તુ... જેવા સુમધુર ગીતો ઉપર શ્રોતાઓ ઝૂમ્યા : ભગવતીભાઈ મોદીએ વાહ - વાહ મેળવી

રાજકોટ : સમયવહેવા સાથે કલાસાધક વધુને વધુ વિસ્તરતો હોય છે. કલાના માધ્યમ દ્વારા તે ભાવિકોના હૃદય સુધી પહોંચી જતો હોય છે. આ વાતનું પ્રમાણ તાજેતરમાં જ યોજાયેલા 'સૂરસંસાર'ના કાર્યક્રમમાં જોવા મળ્યું.

'સૂરસંસાર'ના સળંગ ૧૪૦મા (૨૪મા વર્ષના બીજા) કાર્યક્રમમાં વડોદરાના ગાયક કલાકારો શ્રીમતી વિભાવરી યાદવ, નીતાંત યાદવ તથા આનંદ વિનોદ આવ્યા હતા. આ કલાકારોએ 'સૂરસંસાર' માટે પહેલા પણ કાર્યક્રમો આપ્યા હતા. પરંતુ આ કાર્યક્રમમાં તેઓનો અલગ અંદાજ જોવા મળ્યો હતો.

વિભાવરી યાદવ વર્સેટાઈલ ગાયિકા છે છતાં લતાજીના અવાજમાં વધુ પ્રભાવિ રહ્યા હતા. જયારે સાથી ગાયક આનંદ વિનોદ, કિશોર કુમારની પ્રતિકૃતિરૂપ ગાયિકી અને અંદાજમાં છવાઈ ગયા હતા.

કાર્યક્રમના ઉઘાડ સાથે વિભાવરીના મધુર અને કેળવાયેલા અવાજમાં ''અબ તો હૈ તુમસે, હર ખુશી અપની'' તથા હોલે હોલે સાજના ધીરે ધીરે બાલમા ગીતો રજૂ થયા. ત્યાર બાદ કિશોર કુમારના ધમાકેદાર ગીત સાથે આનંદ વિનોદ જીવન કે સફર મેં રાહી રજૂ કરી શ્રોતાઓને ડોલાવ્યા. કિશોરના આ રમુજી અંદાજ પછી સચિન દેવ બર્મનની સદાબહાર - ગંભીર રચના - દિલ આજ શાયર હૈ, ગમ આજ નગ્મા હૈ રજૂ કરીને પાર્શ્વ ગાયક કિશોર કુમારની રેન્જનો પરિચય આપ્યો.

આ કાર્યક્રમમાં વિભાવરી યાદવે પંખ હોતે તો ઉડ આતી મેં, તેરે ખયાલો મેં હમ, પીયા બાવરી, મુઝેના ભુલાના છુપ છુપ છલીયારે મુઝે ના ભુલાના, લગજા ગલે સે ફીર યે હસી રાત હો ન હો, પાન ખાય સૈયા હમારો જેવા વિવિધ ભાવના ગીતો રજૂ કર્યા.

ગાયક કલાકાર આનંદ વિનોદે મેરે સપનો કી રાની કબ આયેગી તુ, અપની તો જૈસે તૈસે, ખઈકે પાન બનારસવાલા તથા ઓમ શાંતિ ઓમ જેવા લોકપ્રિય ગીતો રજૂ કર્યા પણ કાર્યક્રમનું શીરમોર ગીત તો ઈના મીના ડીકા રહ્યું. આ ગીતને અંતે ભાગે વિલંબીત લયથી દ્રુત લય સુધી લઈ જઈ શ્રોતાઓને જુમાવી દીધા. ગાયક સાથે વાદ્યવૃંદ તથા રાજકોટના કોરસ ગાયકોએ પણ અદ્દભૂત સંગાથ આપ્યો. એક તકે ફિલ્મ બેગુનાહનું કિશોરકુમારના સ્વરમાં ગવાયેલ ગીત આજ ન જાને પાગલ મનવા રજૂ કર્યુ.  આ ગીતની વિશેષતા એ છે કે કિશોર કુમારે વારંવાર હિચકી સાથે આ ગીત ગાયેલુ છે. એ દૃષ્ટિએ આ અતિ કઠીન રચના છે. જે સક્ષમ ગાયકો પણ સ્ટેજ ઉપરથી રજૂ કરતા ગભરાતા હોય છે. આ બંને ગીત માટે ઓડીયન્સે તાળીઓથી અભિવાદન કર્યુ હતું.

કાર્યક્રમના વિશેષ આકર્ષણ રૂપે સુવિખ્યાત કલાસાધક - ગાયક નિતાંત યાદવે કે.એલ. સાયગલનું રૂમઝૂમ રૂમઝૂમ ચાલ તીહારી (ફિલ્મ - તાનસેન ૧૯૪૩, સંગીત - ખેમચંદ પ્રકાશ) ભાવ સાથે રજૂ કર્યુ. જૂની પેઢીના સંગીત ચાહકોને ખુશ કરી દીધા હતા. નીતાંત યાદવે વિભાવરી યાદવ સાથે નૂરજહાં અને તેના અસલ મીજાઝમાં રજૂ કર્યુ. આ ઉપરાંત પંકજ મલિકના પહાડી અવાજમાં ગવાયેલી સુપ્રસિદ્ધ રચના તેરે મંદિર કા હું દિપક જલ રહા અને ચલે પવન કી ચાલ રજૂ કરીને નીતાંત યાદવે જૂના જમાનાની યાદો ફરી જીવંત કરી હતી. આ ગીતોની રજૂઆત સમયે નીતાંત યાદવે પોતાના માઈક્રોફોનમાં કોઈ જ જાતની ઈલેકટ્રોનિક ઈફેકટ રાખી ન હતી. જેથી મુળ ગીતનો અને તે સમયની રેકોર્ડીંગની પદ્ધતિની અસર બરકરાર રહે.

વિભાવરી અને આનંદ વિનોદના સહિયારા કંઠે ઓ મેરે રાજા, જય જય શિવ શંકર, તેરે બીના જીંદગી સે કોઈ શીકવા તો નહિં, લે જાયેંગે લે જાયેંગે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે થતા યે રાતે યે મૌસમ નદી કા કિનારા જેવા અલગ અલગ અંદાજના ગીતો રજૂ કર્યા. આનંદ વિનોદે કિશોરકુમારના વિષાદભર્યા ગીતોની મેડલી રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન અનેક ગીતો માટે વન્સમોરની માગણી આવી હતી.

આ કાર્યક્રમમાં વડોદરાથી યુવા કિબોર્ડ વાદક પિયુષ ભટ્ટ તથા સાથી વાદકોએ સાઝ સંગાથ આપ્યો. રાજકોટના જ યુવા ગાયક કલાકારો દર્શિત કાનાબાર, કાર્તિક ઠાકર, નિષાદ વસાવડા, ખ્યાતિ પંડ્યા, રૂપલ ચાંગાણી, ઉન્નતિ જાનીએ કોરસરૂપે સુરીલો સંગાથ આપ્યો હતો.

કાર્યક્રમનું સંચાલન રાજકોટના યુવા ઉદ્દઘોષક મોહિત ગુપ્તાએ સંભાળ્યુ હતું. ધ્વની વ્યવસ્થા વડોદરાના ઓમ સાઉન્ડના કેયુર કહોરે સંભાળી હતી. સદ્દગુરૂ વિડીયો વિઝનના ચેતન પોપટે વિડીયો કવરેજ કર્યુ હતું.

સંસ્થાના મોભી ભગવતીભાઈ મોદીએ પ્રસંગોચીત ઉદ્દબોધનમાં સંસ્થાના હવે પછી યોજાનારા કાર્યક્રમની વિગતો આપી હતી. ભગવતીભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મનીષભાઈ શાહ, નૂતનભાઈ ભટ્ટ, પિયુષભાઈ મહેતા તથા ુમુકેશભાઈ છાયાએ સફળ મંચન માટે આયોજન કર્યુ હતું.

કાર્યક્રમના સમાપને આનંદ વિનોદ તથા વિભાવરીએ ચલતે ચલતે મેરે યે ગીત સાથે કાર્યક્રમનું મધુર સમાપન કર્યુ હતું. સૂરસંસારનો વધુ એક કાર્યક્રમ સુમધુર યાદો સાથે પૂર્ણ થયો.(૩૭.૧૭)

(3:35 pm IST)