Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

કોઠારીયાના આકાશ કાનાણીનું આઇપીએલ સટ્ટાના ૨૬ હજારની ઉઘરાણી માટે સિકંદરે અપહરણ કરી પાઇપથી બેફામ માર માર્યો

પહેલા સોરઠીયા વાડી ચોકમાં ધોકાથી ફટકાર્યો બાદમાં બાઇકમાં બળજબરીથી બેસાડી જંગલેશ્વરના પટમાં લઇ જઇ પાઇપથી માર માર્યોઃ આકાશ કહે છે-આઇપીએલના સટ્ટામાં પોતે ૭૫ હજાર હાર્યો'તોઃ તેમાંથી ૫૦ આપી દીધા'તા હવે બાકી નીકળતાં ૨૬ હજાર સામે સિકંદર ૧ાા લાખ માંગતો'તોઃ અગાઉ પોલીસે સમાધાન પણ કરાવી આપ્યું હતું: હવે ફરીથી તેણે હુમલો કર્યો

સિકંદર અને અજાણ્યા શખ્સના હુમલામાં ઘાયલ થયેલો આકાશ પ્રદિપભાઇ કાનાણી

 

રાજકોટ તા. ૩૧: કોઠારીયા ગામના સ્વાતિ પાર્કમાં રહેતાં અને ચાના સેલ્સમેન તરીકે કામ કરતાં બાવીસ વર્ષના યુવાનને બાબરીયા કોલોનીના મુસ્લિમ શખ્સે સોરઠીયા વાડી ચોકમાં ધોકાથી માર માર્યા બાદ બાઇકમાં બેસાડી અપહરણ કરી જંગલેશ્વરના પટમાં લઇ જઇ ત્યાં લોખંડના પાઇપથી બેફામ માર મારતાં દાખલ કરાયો હતો. આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટના સટ્ટાના રૂ. ૨૬ હજારની ઉઘરાણી માટે આ હુમલો કરવામાં આવ્યાનું બહાર આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ કોઠારીયાના સ્વાતિ પાર્ક પાસે જે. કે. પાર્કમાં રહેતો આકાશ પ્રદિપભાઇ કાનાણી (ઉ.૨૨) નામનો યુવાન ગઇકાલે બપોર બાદ બજારમાં હતો ત્યારે સાગર નામના શખ્સે ફોન કરી સોરઠીયા વાડી ચોકમાં ફોૈજી હોટલે ચા પીવા આવવાનું કહેતાં આકાશ ત્યાં જતાં  જ બાબરીયા કોલોનીનો સિકંદર ઠાસરીયા આવ્યો હતો અને ધોકાથી માર માર્યો હતો.

આકાશના પિતા પ્રદિપભાઇ પાપડ પેકીંગનું કામ કરે છે. આકાશ એક બહેનથી મોટો છે અને ચાના સેલ્સમેન તરીકે કામ કરે છે. આકાશે જણાવ્યું હતું કે આઇપીએલની ક્રિકેટ ટુર્નામેન્ટ વખતે પોતે સિકંદર ઠાસરીયા સાથે સટ્ટો રમ્યો હોઇ તેમાં પોતે ૭૫ હજાર હારી ગયો હતો. જે તે વખતે તેણે ૫૦ હજાર આપી દીધા હતાં અને ૨૬ હજાર  બાકી હતાં. પણ પાછળથી સિકંદર ૨૬ હજારની સામે ૧ાા લાખની ઉઘરાણી કરતો હતો અને ધમકી આપતો હતો. આ બાબતે અગાઉ તેણે સિકંદર વિરૂધ્ધ અરજી કરતાં જે તે વખતે ડીસીપી કરણરાજ વાઘેલાએ તેની સામે પગલા પણ લેવડાવ્યા હતાં. જે તે વખતે સમાધાન થઇ ગયું હતું અને ૨૬ હજાર જ ચુકવવાના એવું નક્કી થયું હતું. પણ હવે સિકંદરે દોઢ લાખ જ આપવા પડશે તેમ કહી પોતાને સોરઠીયા વાડી ચોકમાં માર માર્યા બાદ જંગલેશ્વરના પટમાં કાવેરી એપાર્ટમેન્ટ પાસે લઇ જઇ હાથે-પગે શરીરે લોખંડના પાઇપથી બેફામ માર માર્યો હતો. તેની સાથે બીજો એક અજાણ્યો પણ હતો.

આકાશે જણાવ્યું હતું કે ઝપાઝપીમાં તેનો મોબાઇલ ફોન અને પાકીટ પણ ખોવાઇ ગયા હતાં. મારકુટ કરી બંને ભાગી જતાં પિતાને  જાણ કરતાં તે સરકારી દવાખાને લઇ ગયા હતાં. ભકિતનગરના એએસઆઇ સુભાષભાઇ ડાંગરે આકાશની ફરિયાદ પરથી સિકંદર અને અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૫, ૩૨૪, ૫૦૪, ૪૦૩, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

ફરિયાદમાં એવુ જણાવાયું છે કે સિકંદર પાસેથી આકાશે ચારેક મહિના પહેલા રૂ. ૨૬ હજાર ધંધા માટે ઉછીના લીધા હતાં. આ પૈસાની ઉઘરાણી માટે અપહરણ કરી બેફામ માર મારવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૫)

(12:06 pm IST)