Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

નવા રીંગ રોડ પર ટ્રેકટર રોડ નીચે ઉતરી ગયું: દાહોદના વિજયનું મોત

છ મહિનાથી રૈયા ચોકડીએ રહી મજૂરી કરતો'તોઃ ગઇકાલે જ ટ્રેકટરના ફેરા શરૂ કર્યા ને જિંદગી પુરી

રાજકોટ તા. ૩૧: કાલાવડ રોડથી નવા દોઢસો ફુટ રીંગ રોડ પર વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. ટ્રેકટર રોડ નીચે ઉતરી જતાં ચાલક દાહોદનો રહેવાસી પથ્થરના ઢગલા પર પટકાતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર કોકોનેટ પાર્ટી પ્લોટ પાસે ટ્રેકટર રોડ નીચે ઉતરી જઇ પલ્ટી મારી જતાં ચાલક રૈયા ચોકડી પાસે ઓરડીમાં રહેતો વિજય પ્રતાપભાઇ ડામોર (ઉ.૧૯) ઉછળીને પથ્થરના ઢગલા પર પટકાતાં ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાત્રે તેનું મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે યુનિવસ્ર્ટિી પોલીસને જાણ કરી હતી. પણ બનાવ તાલુકા પોલીસની હદનો હોઇ ત્યાંના પીએસઆઇ જી. એસ. ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વિજય ચાર ભાઇમાં ત્રીજો હતો અને છએક મહિનાથી દાહોદના વાંકોલ ગામેથી રાજકોટ મજૂરી કરવા આવ્યો હતો અને રૈયા ચોકડીએ ઓરડી રાખી એકલો જ રહેતો હતો. ગઇકાલે જ તેણે મુળાજીભાઇના ટ્રેકટરમાં ડ્રાઇવર તરીકે કામ શરૂ કર્યુ હતું અને માટીનો ફેરો કરવા ગયો હતો. ત્યાંથી પરત આવતી વખતે ટ્રેકટર પલ્ટી જતાં જિંદગી પુરી થઇ ગઇ હતી. બનાવથી આદિવાસી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૬)

(12:05 pm IST)